ચીરઈમાં ત્રણ મહિના પૂર્વે માલગાડીમાં મળેલી લાશમાં હત્યાનો ગુનો દર્જ

રાપર, તા. 4 : ભચાઉ તાલુકાના ચીરઈ રેલવે સ્ટેશન પાસે ગત સપ્ટેમ્બર મહિનામાં માલગાડીમાંથી મળી આવેલી કોહવાયેલી લાશના મામલે રેલવે પોલીસે હત્યાનો ગુનો દર્જ કર્યો છે. રેલવે પોલીસના સત્તાવાર સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે રેલવે પી.એસ.આઈ પી.કે. સોંદરવાએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની મળતી વિગતો મુજબ ગત તા. 29 સપ્ટેમ્બરના ચીરઈના પ્લેટફોર્મ નંબર 6 ઉપર માલગાડીમાં કોથળામાં વીટળાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.અંદાજે 25થી 30 વર્ષની વયના માનવીની લાશ કોહવાયેલી હતી. પુરૂષની છે કે ત્રીની તે પણ જાણી શકાતું ન હતું. જામનગર એફ.એસ.એલ.માં પી.એમ. દરમ્યાન લાશ પુરૂષની હોવાનું જણાયું હતું અને મોત પી.એમ. થયાના પાંચથી 7 દિવસ પહેલાં થયું હોવાનું માલુમ પડયું હતું પરંતુ મોતનું કારણ પેન્ડીંગ હતું. લાશ ઉપરથી વીસેરા લઈને તમામ મુદામાલ રાજકોટ અને ગાંધીનગર એફ.એસ.એલ.માં મોકલી અપાયો હતો. જેમાં ગળાના ભાગે ઈજાનું માલુમ પડયું હતું. આ ઈજા સબંધે એમ.પી શાહ મેડીકલ કોલેજના વડાનો અભિપ્રાય મેળવાયો હતો અને ગળુ દબાવવાથી આ ઈજા થઈ શકે તેવું લેખીતમાં અપાયું હતું તેના આધારે રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2023 Saurashtra Trust