વગર દવાએ કેમ સાજા રહેવું તે વિશેની સમજ પ્રાકૃતિક ચિકિત્સાથી મળે
ભુજ, તા. 4 : અખિલ ભારત યોગ વિદ્યા એવમ્ પ્રાકૃતિક જીવન સંઘ ભુજ દ્વારા બે દિવસીય પ્રાકૃતિક ચિકિત્સાની સારવાર શિબિરમાં 120 દર્દીઓને કુદરતી સારવાર અપાઇ હતી. શિબિરમાં પ્રાકૃતિક ચિકિત્સાના નિષ્ણાત દિનેશ મુંદડા દ્વારા નિદાન કરી કોઇ પણ જાતના રોગોમાં વગર દવાએ માત્ર પ્રાકૃતિક ચિકિત્સાઓ જેવી કે મસાજ, માટી, જલ ચિકિત્સા, ડાયેટ, એક્યુપ્રેશર, યોગ દ્વારા માથાના દુ:ખાવા, કમર-હાથ-પગના દુ:ખાવા, સાઇટિકા, ગોઠણના દુ:ખાવા, ડાયાબિટીસ, હાઇ બી.પી.,ગેસ, એસીડીટી, અપચો, પેટના રોગો, મૂત્રાશયના રોગો, ત્રીરોગો, માસિકની તકલીફો વગેરેની સારવાર આપી હતી. દીપ પ્રાગટય કરતા સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે, આવા શિબિરોના આયોજનથી વગર દવાએ કેમ સાજા રહેવું અને કુદરતી સારવારથી અનેક પ્રકારના રોગોથી આપણે બચી શકીએ છીએ તેની સમજ મળે છે. સંસ્થાના મંત્રી દિનેશ મુંદડાએ જણાવ્યું કે, આ સંસ્થા છેલ્લા 70 વર્ષથી આવી શિબિરોનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં, પરંતુ આ ચિકિત્સા પદ્ધતિ લોકોને શીખડાવીને ઘેર ઘેર આ ચિકિત્સા પહોંચાડવાનું મિશન ચલાવે છે, તેના માટે એક વર્ષીય ડિપ્લોમા કોર્સ કચ્છ યુનિવર્સિટીના સહયોગથી ચલાવી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. રમેશભાઇ સંઘવી તેમજ હરીશભાઇ લાડકાની અને વિનોદભાઇ રાઠીએ વિદ્યાર્થીઓને સમાજસેવા કરવાનો અનુરોધ કર્યો હતો. યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના પ્રો. ડો. અતુલ કનૈયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. 25 વિદ્યાર્થીએ શિબિરમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ભરત ભટ્ટ, દામજી પરમાર તેમજ ડિપ્લોમા ઇન યોગના વિદ્યાર્થીઆએઁ જહેમત ઉઠાવી હતી.