ગાંધીધામના નાળામાંથી નવજાત ભ્રૂણ મળી આવતાં અરેરાટી

ગાંધીધામ, તા. 4 : શહેરના અપનાનગર પાસે વરસાદી નાળામાંથી નવજાત માનવ ભ્રૂણ મૃત હાલતમાં મળી આવતાં ભારે ચકચાર વચ્ચે અરેરાટી પ્રસરી હતી. શહેરના અપનાનગર મકાન નંબર 147-બી સામે પાલિકાના વરસાદી નાળામાં આ બનાવ બન્યો હતો. ભારતનગરમાં રહેનાર યોગેશ લિંબાચિયા નામનો યુવાન આજે બપોરે પોતાના ઘરે જમવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અપનાનગર પાસે એકઠા થયેલા લોકો જણાયા હતા. આ યુવાને વરસાદી નાળામાં જોતાં ત્યાં નવજાત માનવ ભ્રૂણ દેખાયું હતું. જેને કૂતરા ખાવાની કોશિશ કરતા હોઈ આ શ્વાનોને ભગાડી પોલીસને જાણ કરાઈ હતી. તાબડતોબ આવેલી પોલીસે આ માનવ ભ્રૂણને રૂમાલમાં વિંટાળી હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે આ નવજાત માનવ ભ્રૂણને મૃત જાહેર કર્યું હતું. કોઈ અજાણી મહિલાએ આ નવજાતનો જન્મ છુપાવવા માટે ઈરાદાપૂર્વક તેને આ નાળામાં ફેંકી જવાયું હતું. આ અજાણી ત્રી વિરુદ્ધ હેડ કોન્સ્ટેબલ મયૂરગિરિ ગોસ્વામીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

© 2023 Saurashtra Trust