ચૂંટણી દરમ્યાન બેદરકારી અને અભદ્ર વ્યવહાર અંગે રજૂઆત
ગાંધીધામ, તા. 4 : વિધાનસભા મત વિસ્તાર ગાંધીધામ-પાંચની ચૂંટણી દરમ્યાન ભચાઉ શહેર બૂથ નંબર 73, 74ના ઝોનલ અધિકારીની બેદરકારી અને પોલીસ હેડ કોન્સ્ટેબલના અભદ્ર વ્યવહાર અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. વિધનાસભા ચૂંટણી દરમ્યાન ભચાઉ શહેર બૂથ નંબર 73, 74 પાસે 100 મીટર ત્રિજ્યાની અંદર સત્તાપક્ષના ચૂંટણી નિશાનવાળા બેનરો, પત્રિકાઓ, થેલી, તોરણ સાથે કાર્યકર્તાઓ ટેબલ, ખુરશી રાખી મતદારોને સત્તાપક્ષ તરફે મતદાન કરવા ફરજ પાડતા દેખાતાં અરજદાર ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ ઝોનલ અધિકારી એ. કે. પટેલને રજૂઆત કરી હતી જેથી આ અધિકારીએ કાર્યકર્તાઓને 100 મીટરની ત્રિજ્યા બહાર કર્યા હતા, પરંતુ પક્ષના ચિહ્ન, બેનર, પત્રિકાઓ, તોરણ દૂર કરવામાં આવ્યા નહોતા. જેથી આ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ટોળાંને દૂર કરવા હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ જાડેજાએ ના પાડી હોવાનું પત્રમાં જણાવાયું હતું અને અરજદાર સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક પી.આઇ. અને પોલીસવડાને આ અંગે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. તેમ છતાં આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી જેથી આ પ્રકરણમાં રાજ્ય ચૂંટણીપંચની નિષ્પક્ષતા, તટસ્થતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી પગલાં લેવા ભચાઉ શહેર કોંગ્રેસના પ્રમુખે માંગ કરી હતી.