ચીરઈ પાસે બંધ ટ્રેઈલર પાછળ ટેમ્પો ભટકાતાં ચાલકનું તત્કાળ મોત

રાપર, તા. 4 : ભચાઉ-ગાંધીધામ હાઈવે ઉપર સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ચાલક શૈલેન્દ્રકુમાર ગિરિરાજસિંહનું ગંભીર ઈજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું. બીજી બાજુ કંડલામાં મીઠાના કારખાનામાં પાણીના ટાંકામાં પડી જવાથી 43 વર્ષીય ડાયા સામત પરમારે જીવ ગુમાવ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચીરઈ ઓવરબ્રિજ ઉપર માર્ગ અકસ્માતનો બનાવ આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં બન્યો હતો. આઈસર ટેમ્પોનો હતભાગી ચાલક ભચાઉથી મુંદરા જતો હતો. આ દરમ્યાન પુલ ઉપર ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ધડકાભેર ટક્કરથી હતભાગી ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓથી ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ફસાયેલા બન્ને વાહનોને હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ક્રેન વડે છૂટા કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે જાણવાજોગ નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત મોતનો બનાવ કંડલામાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં કચ્છ સોલ્ટમાં બન્યો હતો. હતભગી યુવાન અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા ડૂબી ગયો હતો. કંડલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2023 Saurashtra Trust