ભચાઉમાં નડતરની વિધિ કરવાના બહાને 95 હજારના દાગીના પડાવાયા

રાપર, તા. 4 : ભચાઉમાં અજાણી ત્રીને વિધિના બહાને ઘરમાંથી દાગીના લઈ નાસી જઈ મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત 6 નવેમ્બરના બનેલા બનાવ સંદર્ભે નેહાબેન લાલજીભાઈ પ્રજાપતિએ અજાણી ત્રી સામે ફરિયાદ નોંધાવી છે. ગત તા. 6ના અજાણી ત્રી ભીખ માગવા આવી હતી. તેણીએ કપડા માગતાં તેણીની સાસુએ જૂની સાડી આપી હતી. બાદમાં હું મેલડીમાની ભૂવી છું, તમારા ઘરમાં નડતર છે તેમ કહી ઘરમાં આવી હતી. વિધિ કરવા માટે ચૂંદડી પાથરી તેના ઉપર દાગીના રખાવ્યા હતા અને મંત્ર બોલીને ઘરની દીવાલ ઉપર પોટલી ફેરવી હતી. વધુ દાગીના આપવાનું કહ્યું હતું. બઘા ઘરેણાની પોટલી લઈ વિધિ માટે સ્મશાન જાઉં છું, તમે જમવાનું બનાવી રાખો તેમ કહી અજાણી ત્રી ચાલી ગઈ હતી. અજાણી ત્રીએ ચાંદીની બંગડી, ચાંદીના ત્રણ જોડ સાંકળા, સોનાની ત્રણ નંગ વીટી, સોનાની વીટી, સોનાની બંગડી, સોનાની ચૂડી, સોનાની બુટ્ટી, ચાંદીની ચાર જોડી માછલી અને રૂા. 1300 લઈને નાસી ગઈ હતી. પોલીસે વિશ્વાઘાત સહિતની કલમો તળે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2023 Saurashtra Trust