બીજા તબક્કાનાં મતદાનને લઇને પોલીસ મથકો ખાલીખમ

ભુજ, તા. 4 : વિધાન-સભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયાના એક દિવસના વિરામ બાદ કચ્છના મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને બીજા તબક્કાનાં મતદાન માટે પોલીસ બંદોબસ્ત અર્થે મોકલી અપાતા પોલીસ મથકો ખાલીખમ ભાસી રહ્યાં છે. સોમવારે બીજા તબક્કાનું 93 બેઠક પર વિધનાસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી મોટી સંખ્યામાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ને જુદા જુદા પોલીસ મથકમાંથી પસંદગી કરી સાબરકાંઠા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી બંદોબસ્ત માટે ગઇકાલે જે-તે હાજર થવાના ઓર્ડર ઇસ્યુ થઇ ગયા હોવાથી બે દિવસથી કચ્છના પોલીસ મથકો ખાલી થઇ ગયાં છે. આમાંય કચ્છમાં પોલીસ સ્ટાફની ઘટ લાંબા સમયથી છે ત્યારે ચૂંટણી બંદોબસ્તમાં સ્ટાફ રવાના થઇ જતાં નાની-મોટી ફરિયાદો અને કાર્યવાહી માટે ફરિયાદીને હજુ બે-ત્રણ દિવસની રાહ જોવી પડશે તેવું અંતરંગ વર્તુળોએ જણાવ્યું હતું.

© 2023 Saurashtra Trust