ભુજમાં પ્રથમ વખત મગજમાં જતી નળીની જટિલ પ્રકારની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાઈ

ભુજમાં પ્રથમ વખત મગજમાં જતી નળીની જટિલ પ્રકારની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાઈ
ભુજ, તા. 4 : અહીં પ્રથમ વખત મગજમાં જતી નળીની જટિલ એન્જિયોપ્લાસ્ટી. કે. કે. પટેલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની ટીમ અને અન્ય પ્રશિક્ષિત સહાયક સ્ટાફ સભ્યો દ્વારા પાર પડાઈ હતી. સ્વાસ્થ્ય કાળજીની દુનિયામાં અદ્ભુત અને જટિલ પ્રકારની સર્જરી કરીને કચ્છવાસીઓને તકલીફો દૂર કરીને સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે એનું જીવતું જાગતું પ્રમાણ નીચે મુજબ છે. લગભગ 70 વર્ષીય વૃદ્ધા જેમણે પાછલાં જીવનમાં બે વખત હૃદયની એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. તેમને છેલ્લા થોડા સમયથી ખૂબ જ ચક્કર આવતા હતા અને ચાલવામાં પણ તકલીફ થતી હોવાના કારણે હોસ્પિટલમાં આવ્યા. નિષ્ણાત ડો. મીત ઠક્કરે તપાસ કર્યા પછી તેમને એમઆરઆઈ અને સીટીસ્કેન કરાવ્યા અને તેમાં જાણ્યું કે દર્દીને જમણી બાજુની ધમની જે મગજમાં લોહી પહોંચાડે છે તેમાં ભારે અવરોધ (90 ટકા) છે. આ અવરોધનાં કારણે તેમને મગજમાં પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી અને મગજમાં અપર્યાપ્ત લોહી મળવાનાં કારણે ચક્કર આવે છે અને ચાલવામાં તકલીફ થાય છે. સમસ્યાના ઉકેલ માટે નિષ્ણાત ડો. મીત ઠક્કર (કાર્ડિયોલોજિસ્ટ), ડો. જયદત્ત ટેકાની (કાર્ડિયોલોજિસ્ટ), ડો. નીલેશ ગોસ્વામી (એનેસ્થેસિયોલોજિસ્ટ), ડો. ઋગ્વેદ ઠક્કર (ફિઝિયોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર), ડો. તેજસ નકુમ (ક્રિટિકલ કેર) અને ડો. તારેક ખત્રી (ન્યૂરોસર્જન) બધાના સહયોગથી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેમાં બલૂન અને સ્ટેન્ટનો પ્રયોગ કરીને મગજમાં લોહીને પરિભ્રમણ કરવાનો માર્ગ બનાવવામાં આવ્યો. આ રીતે નિષ્ણાત ડોક્ટરની ટીમ અને અન્ય પ્રશિક્ષિત સહાયક સ્ટાફના સભ્યો દ્વારા દર્દીને સાજા કરવામાં આવ્યા. જ્યારે દર્દી એક અઠવાડિયા પછી નિષ્ણાત ડોક્ટરની ટીમને મળવા આવ્યા ત્યારે તે ખૂબ જ સારી રીતે બોલી તથા ચાલી શકતા હતા. દર્દીએ કહ્યું ઓપરેશન પછી તેમને બિલકુલ ચક્કર નથી આવ્યા. દર્દીએ ડોક્ટરની ટીમ અને અન્ય પ્રશિક્ષિત સહયોગી સ્ટાફ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો તથા આવી ખૂબ જ અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવા બદલ બધાને આશીર્વાદ આપ્યા. ભુજમાં ઈતિહાસ સર્જવા બદલ નિષ્ણાત ડોક્ટરની ટીમ અને અન્ય સહયોગી સ્ટાફ સભ્યોને વેલજીભાઈ પિંડોરિયા (પ્રમુખ, કચ્છી લેવા પટેલ સમાજ) અને ગોપાલભાઈ ગોરસિયા (પ્રમુખ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ) દ્વારા અભિનંદન પાઠવાયા હતા તથા આવી જ રીતે ભવિષ્યમાં કે.કે. પટેલ હોસ્પિટલનું નામ અતિ ઉપર લઈ આવે એવી મનોકામના વ્યક્ત કરી હતી.

© 2023 Saurashtra Trust