શેરબજાર રંગમાં : સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચાઈએ

મુંબઈ તા. 24 ભારતીય શેરબજાર માટે નવેમ્બર શ્રેણીનો અંતિમ દિન શુકનવંતો પુરવાર થયો છે. નવેમ્બર શ્રેણીમાં અંતિમ દિવસે શોર્ટ કવરીંગ અને યુએસ ફેડની મિનીટ્સના લીધે આજના દિવસે ભારતીય  શેરબજાર છેલ્લા કેટલાક દિવસોની રેંજ તોડીને સર્વોચ્ચ સ્તરે બંધ થયું છે. આજના કારોબારી સત્રમાં સેન્સેક્સ 762 અંકના ઉછાળા સાથે 62272 પર બંધ થયો હતો અને આજના સત્રમાં 62412નો સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યે હતો. આ અગાઉ સેન્સેક્સનું સર્વોચ્ચ સ્તર 62245 હતું તો આ ઉપરાંત નિફ્ટી પણ 216 અંક ઉછળીને 18484 પર બંધ થયો હતો. નિફ્ટીએ આજના સત્રમાં બાવન અઠવાડિયાનું સર્વોચ્ચ સ્તરે કારોબાર કર્યો હતો. છેલ્લા ઘણા અઠવાડિયાઓથી બેન્કિગ સ્ટોકની તેજી આજે પોતાના સર્વોચ્ચ સ્તરે પહોચી હતી અને પહેલી વખત બેંક નિફ્ટીએ 43000નું સ્તર પાર કર્યું હતું. આ સ્તરને દિવસના અંત સુધી જાળવીને બેંક નિફ્ટી 43075 પર બંધ રહ્યું હતું. સાનુકુળ વૈશ્વિક માહોલના લીધે ભારતીય બજાર મજબૂતાઈ મળી હતી અને દિવસભર આ તેજી જળવાઈ રહી હતી. આ ઉપરાંત યુએસ ફેડ દ્વારા વ્યાજદર વધારવાની ઝડપ ઘટશે, ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ, ડૉલર ઇન્ડેક્સના ઘટાડાના પગલે એ રાહત આજે ચોતરફ લેવાલી જોવા મળી હતી. આજના સત્રમાં લગભગ દરેક સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે. ખાસ કરીને આઈટી અને સરકારી બેંકનો સહારો બજારને મળ્યો હતો. આજના સત્રમાં બીએસઈમાં લગભગ 100 જેટલા શેર પોતાના બાવન અઠવાડિયાના સર્વોચ્ચ સ્તરે જોવા મળતા હતા. પંજાબ નેશનલ બેંક, હિન્દુસ્તાન એરોનોટિકસ, આરવીએનએલ. કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા  વગેરેમાં ખરીદારી થઇ હતી. નિફ્ટી સૂચકાંકમાં બનેલી આજની કેન્ડલથી જાણકારો જણાવી રહ્યા છે કે નિફ્ટી આગામી દિવસોમાં 18600-18700ના સ્તરને સ્પર્શી શકે છે અને 18450 સ્તર નિફ્ટી માટે મજબૂત સપોર્ટ બની રહશે. અમેરિકાની સેન્ટ્રલ બૅન્કે જણાવ્યું હતું કે ફુગાવાના ઊંચા દર સામેની લડાઈમાં હવે પ્રગતિ દેખાઈ રહી છે. એટલે હવે વ્યાજદર વધારવાની ગતિ ધીમી કરવાનું તેઓ વિચારી રહ્યા છે. અમેરિકાની મધ્યસ્થ બૅન્કના આ સકારાત્મક નિવેદનને વિશ્વભરનાં બજારોએ વધાવી લીધું હતું. ભારતીય શૅરબજારમાં પણ તેજીનો આખલો જોરમાં આવ્યો હતો. મંદીના ભયે ફફડતાં રોકાણકારોના જીવમાં જીવ આવ્યો હતો અને બજારમાં ઓલરાઉન્ડ લેવાલી શરૂ થઈ ગઈ હતી. સેન્સેક્ષ અને નિફટી બન્ને મુખ્ય સૂચકાંકો લાઈફટાઈમ હાઈની સપાટી પર પહોંચી ગયા હતા. આ બન્ને મુખ્ય સૂચકાંકોની જુગલબંધીની સાથે બીજા મોટા ભાગના સૂચકાંકો તેજીના તાલ સાથે ઝૂમી રહ્યા હતા. બૅન્ક નિફટી 43,163.40 પૉઈન્ટની નવી ઓલટાઈમ હાઈની સપાટીને સ્પર્શીને છેલ્લે 346.30 પૉઈન્ટ એટલે કે 0.81 ટકાના સુધારા સાથે 43,075.40 પૉઈન્ટ પર બંધ રહ્યો હતો. વોડાફોન આઈડિયા, ઈન્ફોસીસ અને તાતા કન્ઝયુમર પ્રોડકટના શૅરનું વૉલ્યુમ લગભગ 100 ટકાથી ઉપર ગયું હતું. કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે ડેરિવેટિવ્ઝની એક્ષપાઈરીના દિવસે ઘણા રોકાણકારોએ તેમની મંદીની પૉઝિશન સમેટી લીધી હતી. અમેરિકાની મધ્યસ્થ બૅન્કના સકારાત્મક વલણની વૈશ્વિક બજારો અને ભારતીય શૅરબજાર પર સાનુકૂળ અસર જોવા મળી છે. ટેક્નિકલી અને ડેઈલી ચાર્ટ જોઈએ તો નિફટીએ લોંગ બુલિશ કેન્ડલ બનાવી છે. એકંદરે બજારનું વાતાવરણ વિસ્તૃતપણે સકારાત્મક લાગે છે.

© 2022 Saurashtra Trust