પક્ષોએ ઉમેદવારો સમક્ષ નાણાંની કોથળી ખુલ્લી મૂકી

ભાર્ગવ પરીખ દ્વારા અમદાવાદ, તા. 24 : ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષે પોતાના ઉમેદવારોને ચૂંટણી લાડવા માટે રૂપિયાની કોથળી ખુલ્લી મૂકી દીધી છે, ત્રણેય પાર્ટીએ કુલ સવાસો કરોડ રૂપિયા પોતાના ઉમેદવારોને આપ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા પ્રચાર માટે માત્ર પાંચ દિવસ અને બીજા તબક્કા માટે માત્ર દસ દિવસ બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોને ચૂંટણીખર્ચ માટે ખોબલે ખોબલે પૈસા આપ્યા છે. ચૂંટણીપંચે એક ઉમેદવારને ચૂંટણીખર્ચ માટે 40 લાખ રૂપિયા ખર્ચ કરવાની છૂટ આપી છે, ત્યારે ભાજપે પોતાના ઉમેદવારો પર વધુ આર્થિક બોજો ન પડે એટલે દરેકને એમની બેન્કનાં ખાતાંમાં આર.ટી.જી.એસ.થી ચૂંટણી લડવા માટે 25 લાખનું પાર્ટી ફંડ જમા કરાવ્યું છે. પહેલા તબક્કાની ચૂંટણીને આડે માત્ર પાંચ દિવસ પ્રચારના રહ્યા છે, કારણ કે 29 નવેમ્બરથી 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીનો પ્રચાર બંધ થશે, એટલે પાંચ દિવસમાં દરેક ઉમેદવાર પોતાના પ્રચારમાં પૂરી તાકાત લગાડી શકે અને પોતાના માટે વિસ્તારમાં એક દિવસમાં પાંચ લાખ ખર્ચી શકે એટલે 25 લાખ રૂપિયા આપ્યા છે. આ પૈસા એમના બેન્કનાં ખાતાંમાં આર.ટી.જી.એસ.થી જમા કરાવ્યા છે, તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોને 20 લાખ રૂપિયા આપ્યા છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે 20 લાખ રૂપિયા આપ્યા છે. આમ ભાજપે ચૂંટણીપંચની મર્યાદા મુજબ પોતાના ઉમેદવારને કુલ ખર્ચની મર્યાદાના 62.5 ટકા આપ્યા છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને કુલ ખર્ચની મર્યાદાના 50 ટકા પૈસા આપ્યા છે, પણ આ પૈસા આવતાં હવે પહેલા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યાં આવનારા પાંચ દિવસોમાં ચૂંટણીનો ખરો રંગ જામશે, જ્યારે પ્રથમ તબક્કાના મતદાન પછી બીજા તબક્કાના મતદાન સમયે હાલ નિરાશ લાગતો ચૂંટણીનો માહોલ રંગીન થઇ જશે.

© 2022 Saurashtra Trust