આક્રમક કેમરૂન વિરુદ્ધ સ્વિસ ટીમની જીત

આક્રમક કેમરૂન વિરુદ્ધ   સ્વિસ ટીમની જીત
દોહા, તા.24: ફીફા વર્લ્ડ કપના આજે ગુરુવારે રમાયેલા પહેલા મેચમાં આક્રમક ટીમ કેમરૂન વિરુદ્ધ સ્વિત્ઝરલેન્ડનો 1-0 ગોલથી રોમાંચક વિજય થયો હતો. મેચનો એકમાત્ર ગોલ સ્વિસ ટીમ તરફથી બીજા હાફમાં 48મી મિનિટે બ્રીલ એમ્બોલોએ કર્યો હતો. ગોલ કર્યા બાદ તેને આની ઉજવણી કરી ન હતી, કારણ કે તેનો જન્મ કેમરૂનમાં થયો છે અને હવે સ્વિત્ઝરલેન્ડ દેશની ટીમ તરફથી રમે છે. કેમરૂનની ટીમ પૂરા મેચમાં આક્રમક અંદાજમાં રમી હતી. બોલ પોઝિશનમાં પણ તે સ્વિસ ટીમથી આગળ રહી હતી પણ ગોલ કરવામાં સફળ રહી ન હતી. કેમરૂનની ટીમે વિરોધી ટીમના ગોલ પોસ્ટ પર 8 શોટ માર્યા હતા પરંતુ એક પણ વખત તે શોટ ગોલમાં પરિવર્તિત થઈ શક્યો ન હતો જ્યારે સ્વિસ ટીમે 6 શોટ માર્યા હતા. જેમાં એકમાં ગોલ થયો હતો. આ જીતથી ગ્રુપ જીમાં સ્વિત્ઝરલેન્ડની ટીમ 3 પોઇન્ટ સાથે ટોચ પર છે. ગ્રુપની અન્ય બે ટીમ પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન બ્રાઝિલ અને સર્બિયા છે.

© 2022 Saurashtra Trust