આજથી કિવિ સામે વનડે શ્રેણી : ભાવિ ટીમ ઘડવાનો ઉદેશ

આજથી કિવિ સામે વનડે શ્રેણી : ભાવિ ટીમ ઘડવાનો ઉદેશ
ઓકલેન્ડ, તા. 24 : ટી-20માં અપેક્ષાકૃત દેખાવ કરીને શ્રેણી જીત હાંસલ કરનાર ભારતીય ટીમ હવે શુક્રવારથી અહીં શરૂ થનાર ન્યુઝિલેન્ડ વિરુદ્ધની ત્રણ વન ડેની સિરીઝ દરમિયાન આવતા વર્ષે ઘરઆંગણે રમાનાર પ0 ઓવરના વિશ્વ કપની તૈયારીનો આરંભ કરશે. કિવિઝ વિરુદ્ધની વન ડે શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન અનુભવી ઓપનર શિખર ધવન સંભાળશે. પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક નવા ચહેરા પણ જોવા મળશે. જે ટી-20 શ્રેણીમાં સામેલ ન હતા.   પહેલી મેચ શુક્રવારે સવારે 7-00 વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમને 2022માં વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ન્યુઝિલેન્ડના હાથે 0-3થી હાર મળી હતી. શિખરની ટીમ ભૂતકાળ ભૂલીને નવી શરૂઆત કરવા ઇચ્છશે. ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપને હવે ફક્ત 11 મહિના બાકી છે. જે ધ્યાને રાખીને આ શ્રેણીમાં ભારતીય ટીમનું બેટિંગ અને બોલિંગ આક્રમણ ચકશવાનો ટીમ મેનેજમેન્ટને મોકો મળશે. આ શ્રેણીમાં પણ સિનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજા જોવા મળશે નહીં. આથી અનેક યુવા ખેલાડીઓ પાસે ખુદને સાબિત કરવાની તક મળશે. કામચલાઉ કપ્તાન શિખર ધવને છેલ્લા બે વર્ષમાં વન ડેમાં લગભગ 1000 રન કર્યા છે. તે પાછલા બે વર્ષથી ફક્ત આ ફોર્મેટનો જ ખેલાડી બની રહ્યો છે. શુભમન ગિલને આ શ્રેણી દરમિયાન ઓપનિંગ બેટરનાં રૂપમાં પ્રસ્થાપિત કરવાની તક રહેશે. તે અત્યાર સુધી જેટલા વન ડે રમ્યો છે. તેમાં તેણે પ7ની સરેરાશથી રન કર્યા છે. મધ્યક્રમમાં શ્રેયસ અય્યર, સંજૂ સેમસન અને રિષભ પંત પાસે પસંદગીકારોનો વિશ્વાસ જીતવાનો રહેશે, કારણ કે સૂર્યકુમાર યાદવ હવે મધ્યક્રમનો નિયમિત બેટ્સમેન બની ચૂકયો છે. ઝડપી બોલિંગમાં દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને નવો દડો મળી શકે છે. અર્શદીપ પણ વિકલ્પ છે. કુલદીપ સેન અને ઉમરાન મલિકમાંથી કોઈ એકને તક મળી શકે છે. સ્પિન મોરચે વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમ ટી-20 શ્રેણીની હારનો હિસાબ બરાબર કરવા માંગશે. તેની બોલિંગ ઘણી મજબૂત છે. જેમાં સાઉધી, ફરગ્યૂસન, મિલ્ને, હેનરી અને સ્પિનર સેંટનર છે. કિવિઝ ટીમનું સુકાન કેન વિલિયમ્સન સંભાળશે. જે ભારત સામેની આખરી ટી-20 મેચ રમ્યો ન હતો.

© 2022 Saurashtra Trust