ગાંધીધામ બેઠક ઉપર ભાજપનો વિજય રથ રોકવાનો વિપક્ષ સામે પડકાર

ગાંધીધામ બેઠક ઉપર ભાજપનો વિજય રથ રોકવાનો વિપક્ષ સામે પડકાર
અદ્વૈત અંજારિયા - મનજી બોખાણી પૂરક વિગતો : કમલેશ ઠક્કર ગાંધીધામ, તા. 24 : વિધાનસભાની ગાંધીધામ-5 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મનાં વિજેતા માલતીબેન મહેશ્વરી ઉપર પુન: વિશ્વાસ મૂકીને તેમને રિપીટ કર્યાં છે. તેઓ કચ્છના વિધાનસભા જંગમાં એકમાત્ર મહિલા ઉમેદવાર છે. સામી બાજુ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નવા ચહેરા તરીકે ભરતભાઇ સોલંકીને તેમની સામે જંગમાં ઉતાર્યા છે. લોકોની દૃષ્ટિએ આ બંનેની છાપ સજ્જન ઉમેદવાર તરીકે થઇ?રહી છે, ત્યારે આ બંને વચ્ચેના ચૂંટણીજંગમાં આમ આદમી પાર્ટી કેટલું અને કેવું સમર્થન મેળવશે તેના ઉપર જંગની હાર-જીતનો મદાર રહે છે. જો મતદાન જંગી થાય તો આ જંગ રસપ્રદ બની રહેશે. મતવિસ્તારમાં ક્યાંક ભાજપ તરફ નારાજગીનો સૂર છે, તો ક્યાંક કોંગ્રેસની નિક્રિયતાની વાત આવે છે, પરંતુ સૌને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો અનુરાગ હજુય યથાવત્ હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર સંકુલ અને મતવિસ્તારનો પ્રવાસ ખેડયા પછી એટલું ચોક્કસ લાગ્યું કે કમસે કમ આ બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ ખેલાશે. ભલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગાંધીધામમાં રોડ શો કરી ગયા, પરંતુ તે વખતે હજુ ગાંધીધામ બેઠકના તેમના ઉમેદવાર ઘોષિત થયા જ નહોતા. ભચાઉ શહેર-તાલુકાનાં ગામોમાં આપનો કોઇ પ્રચાર થયો નથી તેવું સામે આવ્યું હતું. વિપક્ષ તરીકે આ વખતે કોંગ્રેસ શરૂમાં એકજૂટ જણાઇ હતી, પરંતુ પછી ગમે તે કારણે તેમાં ઓટ વર્તાઇ રહી છે. અલબત્ત, ગાંધીધામ સંકુલમાં ભરતભાઇ સોલંકીની સભા, કાર્યાલયમાં લોકોની મોટી હાજરી ધ્યાન ખેંચી રહી છે. બીજી તરફ, ભાજપે આ વખતે મોટી સભાઓના બદલે જુદા જુદા વિસ્તારો અને સમાજના આગેવાનો સાથે બેઠકો યોજીને નવી રણનીતિ અપનાવી છે. વર્તમાન રાજકીય ઇતિહાસ પ-ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં બે શહેરો ગાંધીધામ અને આદિપુર સમાવિષ્ટ છે. કુલ્લે 2,86,279 મતદારો પૈકી અડધોઅડધ મતદારો આદિપુર-ગાંધીધામના છે. એટલે આ સંકુલનું મહત્ત્વ સૌધી વધુ છે. આ નગરપાલિકા વિસ્તારમાં કાયમ ભાજપનો દબદબો રહ્યો છે. પાલિકાની બાવન બેઠકો પૈકી છેલ્લી ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી 48 બેઠક અંકે કરી હતી. એવી રીતે ભચાઉમાં કોંગ્રેસે 27માંથી 10 બેઠક મેળવી હતી. પરંતુ પછી આઠ કોંગ્રેસી નગરસેવકો કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાતાં કેસરિયા પક્ષને પાલિકામાં હાલે 25 બેઠક મળી છે. મોદી ઉપર હજુય પૂરો ભરોસો ગાંધીધામ-આદિપુર સંકુલ અને ભચાઉ તથા તેની આસપાસના ગામોનો પ્રવાસ કર્યો ત્યારે કેટલાક કામો ન થયાની તેમજ ભ્રષ્ટાચારની ફરિયાદો લોકોએ દબાતા સ્વરે ચોક્કસ કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીના ચહેરાનો જાદુ હજુય હોવાથી એકદમ ભાજપથી દૂર થવાની માનસિકતા લોકોમાં જણાઇ નહોતી. ઘણા ગામો એવા હતાં કે જ્યાં બંને મુખ્ય પક્ષોનું બરાબર વર્ચસ્વ જણાયું હતું. તેમ છતાં ભાજપને સરસાઇ મળી જાય તેવું સ્પષ્ટ થતું હતું. સૌથી છેલ્લે ગાંધીધામમાં ધ્યાન ભાજપ-કોંગ્રેસ બંનેની પ્રચારની પદ્ધતિ લગભગ એક સરખી જણાય છે. આમ આદમી પાર્ટી ચૂપચાપ પ્રચાર કરી રહી છે. દરરોજ સવાર પડે અને શહેરી તથા ગ્રામ્ય કાર્યાલયોમાં  ચાના તપેલાં ચડી જાય છે. જ્યાંથી પ્રચારના કામનો કાર્યકરો પ્રારંભ કરે છે. ભચાઉ શહેર તથા ગ્રામ્ય વિસ્તારો ભાજપ-કોંગ્રેસ ફરી વળ્યા છે અને હવે છેલ્લા ત્રણ-ચાર દિવસ ગાંધીધામ-આદિપુર તથા આસપાસના ગામોમાં ધ્યાન કેન્દ્રિત થયું છે. સ્ટાર પ્રચારકોની આવન-જાવન હવે આ શહેર સંકુલમાં થવા માંડી છે. ભાજપ તરફે આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સરમા ગાંધીધામ આવી ગયા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય  મંત્રી મનસુખ માંડવિયા પણ સભા સંબોધી ગયા છે. સામે બાજુ કોંગ્રેસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને એકાદ દિવસમાં પ્રચારાર્થે ગાંધીધામ લાવવા આયોજન ગોઠવી રહી છે. એટલે ચૂંટણીનો ખરો જંગ હવે અંતિમ દિવસોમાં ગરમ બને તેવા એંધાણ મળે છે. નર્મદાનું કામ ભચાઉ તાલુકાનાં છાડવારા ગામના ચોકમાં વડનાં ઝાડ નીચે બેઠેલા ગામના લોકોએ કહ્યું હતું કે અહીં નર્મદાનું કામ અટકેલું છે. છાડવારા, લલિયાણા વગેરેને જોડતો માર્ગ હજુ બન્યો નથી. વખતોવખતની રજૂઆતો છતાં આ કામ થતું નથી. મોદી થકી વિકાસ સામખિયાળીનાં પ્રવેશદ્વાર પાસે કરિયાણાની દુકાન ધરાવતા ગોરભાઇએ કહ્યું હતું કે મોદી થકી વિકાસ થયો છે. બાકી ગામમાં માર્ગનાં કામ થયાં નથી, ગંદકી છે, ઊભરાતી ગટરની સમસ્યા?છે. અગાઉ અહીંનું મહેસાણાનગર વરસાદમાં વિખૂટું પડી જતું હતું, પરંતુ હવે કામ થયું છે, તો આવું થતું નથી. માર્ગ પણ આયોજન સાથે બનતા નથી. અહીં વેપાર કરતા હિંમતભાઇ ચૌહાણે કહ્યું હતું કે ગામમાં સાફ-સફાઇનો અભાવ છે. છેલ્લાં 20 વર્ષથી ગામનું તળાવ સાફ થયું નથી. આ તળાવમાં અનેક લોકોનાં મોત પણ થયાં છે. વથાણ ચોકમાં દબાણ પણ વધી ગયાં?છે. અમુક સમયે એસ.ટી. બસ ગામમાં આવતી નથી. તેને ગામનું એક મંડળ ચોકડીથી પાછી વાળીને ગામમાં લઇ આવે છે. લખાવટ ગામની શાળા નજીક ઝાડના છાંયડે બેઠેલા લોકોએ કહ્યું હતું કે ભાજપ, કોંગ્રેસવાળા આવ્યા હતા ચૂંટણી પ્રચાર માટે, પણ આમ આદમી પાર્ટીવાળા નથી આવ્યા. આ લોકોએ કહ્યું હતું કે ઝાડ નીચે બેઠા છીએ. સવારે એક બાજુ છાંયડો હતો. બપોર પછી બીજી બાજુ છાંયડો આવ્યો છે તેવી રીતે ચૂંટણીમાં પણ પરિવર્તન આવતું હોય છે. ખેતી આધારિત ગામ વામકાના લોકોએ જણાવ્યું હતું કે અહીં 1200થી 1300 મત છે, પરંતુ અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, દવા લેવા છેક ભચાઉ, ખારોઇ કે આધોઇ જવું પડે છે. અહીં પાણી પણ બોરનું આવે છે. ભાજપના ઉમેદવાર બેઠક કરી ગયા હતા, પણ તેની બધાને જાણ કરાઇ નહોતી. ભચાઉ શહેરની વાત ભચાઉ શહેરમાં પૂર્ણ કક્ષાનો બગીચો નથી, જેથી અહીંના લોકોને હરવા-ફરવાની ખાસ કોઇ વ્યવસ્થા નથી. એક જગ્યાએ જઇ શકાય તેવી શાકમાર્કેટ નથી. સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હતું તે બંધ?કરી ત્યાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં છેલ્લાં દશ વર્ષથી કાયમી એમ.ડી. કે એમ.એસ. તબીબો પણ નથી તેવું લોકોએ જણાવ્યું હતું. ગાંધીધામનાં કિડાણામાં રહેતા ધારાશાત્રી જયંતીભાઇ ધેડાએ કહ્યું હતું કે એકેય પક્ષે વખાણવા લાયક કે પ્રજા ગૌરવ લઇ શકે તેવાં કામ કર્યાં નથી. સરપંચની ચૂંટણી હતી ત્યારે ગામનું તળાવ સાફ કરાયું હતું. વરસાદ પડે ત્યારે  ગાંધીધામ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની હાલત કફોડી બનતી હોય છે. લોકોને પાયાની સુવિધા મળવી તે તેમનો હક્ક છે, પણ પૂરતી સુવિધાઓ મળતી નથી તે પણ હકીકત છે. ગાંધીધામના 9-બી વિસ્તારમાં રહેતા ઇન્દ્રજિતસિંઘ ટાન્ડેએ જણાવ્યું હતું કે ઊભરાતી ગટરની સમસ્યાથી લોકો વાજ આવી ગયા છે. 108 કરોડ આવ્યા હતા, તે ક્યાંય દેખાતા નથી. અઠવાડિયે પાણી અપાય છે. માર્ગ ઊંચા થઇ જતાં વરસાદમાં પાણી લોકોનાં ઘરોમાં ઘૂસે છે. સમસ્યાઓ માટે નગરસેવકોનો સંપર્ક કરીએ છીએ, પણ તે ફોન ઊંચકતા નથી. સામાન્ય લોકોની સમસ્યાઓનું સમાધાન થતું નથી. સિટી બસના વાયદા છેલ્લાં આઠ વર્ષથી અધૂરા છે. ચૂંટણી પ્રચાર અર્થે કોઇ પણ ન આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. કોંગ્રેસ કહે છે જનતા નારાજ ગાંધીધામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હાજી ગનીભાઇ માંજોઠીએ જણાવ્યું હતું કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાયાની સુવિધાઓ મળતી નથી, જનતા નારાજ છે. વિકાસનાં કામો થતાં નથી, જેનાં કારણે ખુદ સત્તા પક્ષના ઉપપ્રમુખ તથા અન્ય એક સભ્યએ હાલમાં જ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. સત્તા પક્ષના જ લોકો કહી રહ્યા છે જનતાનાં કામ થયાં નથી, જેના કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ ભારાપર ખાતે ધાર્મિક સ્થળથી કર્યો હતો. ગાંધીધામ, ભચાઉના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરાયો છે. જનસભાઓ યોજાઇ છે, જેમાં લોકોનો આવકાર મળ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી રામબાગ હોસ્પિટલમાં સ્ટાફ ન હોવાથી તે ધોળા હાથી સમાન છે. તાલુકા, ગ્રામ્ય વિસ્તારના લોકોને નછૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. નગરની હાલત ખસ્તા ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધીએ કહ્યું હતું કે પાણી પુરવઠાની કચેરી, આર.ટી.ઓ. કચેરી, પેટા તિજોરી કચેરી, સેશન્સ કોર્ટ, પ્રાંત અધિકારીની કચેરી આ શહેરમાં નથી. અન્ય કોઇ શહેરનો વિરોધ નથી, પણ આ અમારાં ધારાસભ્યની નિષ્ફળતાઓ છે. ગાંધીધામ, મીઠીરોહર, જી.આઇ.ડી.સી., ટ્રાન્સપોર્ટ નગરની હાલત નર્કાગારમાં ફેરવાઇ છે. શહેરમાં 10 વર્ષ પહેલાં રૂા. 140 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની વાત હતી, તે પૈસા ક્યાં ગયા તે પ્રશ્ન છે. મહાનગરપાલિકા ન બની, સિટી બસ શરૂ ન થઇ, ગાંધીધામ ડેપોનું ચાર વર્ષ પહેલાં ખાતમૂહુર્ત કરાયું છે, પણ હજુ કામ શરૂ નથી કરાયું તે સત્તાપક્ષની નિષ્ફળતાઓ છે. ગાંધીધામ-આદિપુરમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા નથી. અમે સંકુલના 13 વોર્ડમાં જાહેરસભા, ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. અમારા સ્ટાર પ્રચારકો રમેશ ચેની થલ્લા, મોહન પ્રકાશ અહીં આવીને સભાઓ કરી ગયા છે. અહીં માર્ગ, સફાઇ, પાણીની વ્યવસ્થા કથળી હતી, તેવાંમાં હવે ચોરી, લૂંટના બનાવોથી કાયદો વ્યવસ્થા પણ કથળી છે. 8થી 10 હજારની લીડથી જીત હાંસલ કરવાનો તેમણે દાવો કર્યો હતો. ભાજપને જીતનો વિશ્વાસ ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ પૈકી મોમાયાભા ગઢવીએ જણાવ્યું હતું કે અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ ધાર્મિક સ્થળોથી કરી સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અમે ગાંધીધામમાં મુખ્ય મધ્યસ્થ કાર્યાલય તથા જુદા જુદા વોર્ડ પૈકી અન્ય ત્રણ કાર્યાલયો પ્રારંભ કર્યાં છે. ભચાઉમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું છે. પેજ સમિતિ, શક્તિ કેન્દ્રો કામે લાગી ગયાં છે. ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો છે. અગાઉ જુદા જુદા સમાજો સાથે બેઠક યોજાઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર હોવાથી વધુ ગ્રાન્ટ આવશે, જેનાં કારણે વિકાસનાં વધુ કામો હાથ ધરાશે. આદિપુરમાં બે અન્ડરબ્રિજ, ગાંધીધામ આંબેડકર સર્કલ પાસે ઓવરબ્રિજ, ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેશન હોલ, ભચાઉમાં ઓવરબ્રિજ, 108 કરોડના ખર્ચે નલ સે જલની યોજના, 68 કરોડના ખર્ચે ગાંધીધામમાં ગટરનું કામ થવાનું છે. વિકાસનાં આવાં કામો થકી આ વખતે ગત ચૂંટણીમાં જે લીડ મળી હતી, તેનાથી ડબલ લીડ લોકો અમને આપશે. સ્ટાર પ્રચારકો અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે અહીં આસામના સી.એમ. હેમંત શર્મા, ઉત્તરપ્રદેશના જલમંત્રી સ્વતંત્રદેવ સિંઘ આવી ગયા છે તેમજ મનસુખ માંડવિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેની તૈયારીઓ ચાલી રહી છે. 51 હજારની સરસાઇની આશા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ધવલભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારમાં અમારા 10,000 પેજ પ્રમુખ છે, 45,000 પેજ સભ્ય છે, અમારો પક્ષ જમીન સાથે જોડાયેલો છે અને નાનામાં નાના માણસનું કામ કરાય છે. અન્ય પક્ષો પાસે જિલ્લાની આટલી ટીમ, સભ્યો, કાર્યકર્તાઓ નહીં હોય જેટલા અમારા મતવિસ્તારમાં છે. મોટાભાગના સમાજો સાથે બેઠકો યોજાઇ ગઇ છે અને જે બાકી છે તેમની સાથે બેઠક ગોઠવવાનું ચાલુ છે. મંડળ પ્રમુખ, શક્તિ કેન્દ્ર, બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ વગેરે સક્રિય થઇ ગયા છે. રામમંદિર, 377 કલમ, ગુજરાતમાં સિવિલ કોડની રજૂઆતો વગેરે થઇ ગયા છે અને પક્ષે આપેલાં અન્ય વચનો પણ પૂર્ણ થશે. આ વખતે માલતીબેન મહેશ્વરીને 51,000ની લીડ મળવાની આશા તેમણે વ્યક્ત કરી હતી. નવા મતદાતાઓ મતદાન કરે તે અંગે પણ બેઠક યોજાઇ છે. કોરોનાકાળ દરમ્યાન પણ અહીં સારાંમાં સારી કામગીરી કરવામાં આવી હતી. અહીં કમળ જ ખીલશે, જે અમે પક્ષને અર્પણ કરશું તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust