સી.આર. પાટિલે કચ્છની બેઠકોનો કયાસ લીધો

સી.આર. પાટિલે કચ્છની બેઠકોનો કયાસ લીધો
ભુજ, તા. 24 : વિધાનસભા ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે જ આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલ કચ્છ દોડી આવ્યા હતા અને પક્ષના અમુક નેતાઓ - અગ્રણીઓ સાથે `સમીક્ષા બેઠક' યોજ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેસરિયો પક્ષ આ વખતે વિક્રમી સંખ્યામાં બેઠકો મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપ શ્રી પાટિલની આ મુલાકાતને નિયત કાર્યક્રમ મુજબની રૂટિન પ્રક્રિયા ગણાવી રહ્યો છે, પણ માહિતગાર સૂત્રોના દાવા મુજબ ભુજ અને કચ્છમાં અમુક જ્ઞાતિ-જાતિઓમાં નારાજી હોવાના અહેવાલો વચ્ચે કયાંક ને કયાંક પ્રદેશ પ્રમુખની આ બેઠકનો ઉદ્દેશ ડેમેજ કંટ્રોલનો પણ હોવાનું સમજાય છે. ભાજપના ભુજની બેઠકના ઉમેદવાર કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદ ચાવડા સહિતના અમુક અગ્રણીઓ સાથેની બેઠક બાદ સી.આર. પાટિલે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, કચ્છની છએ છ બેઠક પર ભાજપ ભવ્ય જીત મેળવશે એવો અમને વિશ્વાસ છે અને ગુજરાતમાં પણ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું તેમ આ વખતે વિજયનો નવો રેકોર્ડ રચાશે. કચ્છમિત્ર સાથેની વાતચીતમાં સી.આર. પાટિલે કહ્યું કે, વડાપ્રધાન સહિત ભાજપની સભાઓમાં મળતા પ્રતિસાદને જોતાં ગુજરાતમાં આ વખતે ભાજપ પોતાની જીતનો વિક્રમ તોડવા જઇ રહ્યો છે. કચ્છમાં અને ભુજમાં (ટિકિટ નહીં મળવા સહિતના કારણે) અમુક જ્ઞાતિ-જાતિઓ ભાજપથી નારાજ હોવાનું કહેવાય છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, કોઇ જ્ઞાતિ ભાજપથી નારાજ નથી, બધાનું અમને બહુ સમર્થન છે. તેમણે કહ્યું હતું કે, આ મુલાકાત ઓચિંતી નથી. પક્ષ પ્રમુખ તરીકે હું દરેક બેઠકની આ રીતે સમીક્ષા મુલાકાત કરું છું. રોજની 18થી 20 બેઠક પર આ રીતે જાઉં છું. કોઇ પ્રશ્નો હોય તો નિરાકરણ લાવું છું. કચ્છમાં કોઇ પ્રશ્ન નથી. પાટિલે એક સવાલના જવાબમાં દાવો કર્યો હતો કે, મને અહીંના અગ્રણીઓએ કહ્યું છે કે, ભાજપના ઉમેદવારો દરેક બેઠક પર 50000ની સરસાઇથી જીતશે અને મને પણ એવો જ વિશ્વાસ છે. કચ્છમાં ભૂકંપ બાદના ભારે વિકાસમાં નરેન્દ્રભાઇના મોટા પ્રયાસો અને દીર્ઘદૃષ્ટિ રહેલા છે. મતદારો જાણે છે કે, ભાજપના નેતાઓ સત્તાના માધ્યમથી સેવા કરે છે. આ વખતે ચૂંટણી પક્ષની જનતા લડે છે. દરમ્યાન સૂત્રોએ દાવો કર્યો હતો કે, પાટિલે કચ્છમાં અમુક જ્ઞાતિની નારાજીને લઇને ચર્ચા-સમીક્ષા કરી હતી અને કેટલાક જ્ઞાતિ-સમાજ અગ્રણીઓને રૂબરૂ બોલીવીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો. જે બેઠકોમાં ખટરાગના અહેવાલ છે ત્યાં તેમણે સ્થાનિક અગ્રણીઓ સાથે અસંતોષ દૂર કરવાની અને ક્યાંક સમજાવટની પણ જહેમત કરી હતી. પત્રકાર પરિષદમાં સંસદ સભ્ય વિનોદ ચાવડા, કાર્યકારી ભાજપ પ્રમુખ વલમજીભાઇ હુંબલ વગેરે ઉપસ્થિત હતા.

© 2022 Saurashtra Trust