મુંદરા બંદરે 77 કરોડનાં સોંદર્ય પ્રસાધન જપ્ત

મુંદરા બંદરે 77 કરોડનાં સોંદર્ય પ્રસાધન જપ્ત
ગાંધીધામ, તા. 24 : મુંદરા બંદરેથી અગાઉ લાલચંદન, ઈ-સિગારેટ, ચાઈનીઝ વસ્તુઓ સહિતની પ્રતિબંધિત વસ્તુઓને ઝડપી પાડી દેશની તિજોરીને નુકસાન કરવાના કારસા વખતોવખત બહાર આવી રહ્યા છે, પરંતુ આ વખતે ડિરેકટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) દ્વારા કરોડોની કિંમતની બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુઓનો જથ્થો કબજે કરી વધુ એક ડયૂટીચોરી અને મિસ ડિકલેરેશનના કારસાને નાકામ બનાવાયો છે. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મુંદરા બંદરે અદાણી પોર્ટ, સેઝ ખાતે આયાત કરાયેલું કન્ટેનર રોકીને તપાસ કરવામાં આવી હતી. આયાત કરાયેલા કન્ટેનરમાં મિસ ડિકલેરેશન કરાયું હોવાનું અને કન્ટેનરમાં પ્રતિબંધિત વસ્તુ હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કન્ટેનરમાં વેન્ટી કેસના 773 પેકેટ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. કન્ટેનરની તપાસમાં આગળના ભાગે જાહેર કરાયેલો માલ હતો, પરંતુ તેની પાછળ પ્રતિબંધિત કોસ્મેટિકની વસ્તુઓ નીકળી પડતાં તંત્ર ચોકી ઊઠયું હતું. જાહેર કરાયેલા માલની પાછળ મેકઅપ ફાઉન્ડેશન જેવા વિવિધ સૌંદર્યપ્રસાધનો મળી આવ્યા હતાં. મેક, નાર્સ, લોરીયલ, લૌરા મર્સીયર, મેબેલાઈન, અને મેટ્રીકસના લીપગ્લોસ, હેર કન્ડીશનર, લિક્વિડ અકલાઈનર, બ્યુટી ઓઈલ, અને ક્રીમ સહિતની વસ્તુઓ નીકળી પડી હતી. આ તપાસ દરમ્યાન આયાતાકાર પાર્ટી દ્વારા કસ્ટમ અકેટના નિયમોનું ઉલ્લંઘન કરતો માલસામાન ઘુસાડવાનો કારસો કરાયો હતો. કબજે કરાયેલા બ્રાન્ડેડ કોસ્મેટિકની કિંમત રૂા. 77 કરોડ આંકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનથી સૌંદર્યપ્રસાધનો સહિતની પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવામાં આવી રહી છે. કરોડોની ડયૂટીચોરી ઓળવી જવા માટે દાણચોરી કરતા તત્ત્વો સક્રિય બનતા રહ્યા છે. ત્યારે આવા તત્ત્વોના મનસૂબા ઉપર પાણી ફેરવવા માટે ડી.આર.આઈ. દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ચૂંટણી આચારસંહિતા લાગુ થવા પહેલાં જ ડી.આર.આઈ. દ્વારા દાણચોરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કરોડોની ઈ-સિગારેટ મુંદરા બંદરેથી કબજે કરવામાં આવી હતી ત્યારે આ નવા પ્રકારની વસ્તુની દાણચોરીનો કિસ્સો બહાર આવ્યો છે.

© 2022 Saurashtra Trust