જનતા 27 વર્ષનાં શાસનથી ત્રાસી છે, તેમનાં હૃદયમાં પરિવર્તનની ઝંખના

જનતા 27 વર્ષનાં શાસનથી ત્રાસી છે, તેમનાં હૃદયમાં પરિવર્તનની ઝંખના
ગાંધીધામ, તા. 24 : લોકો 27 વર્ષનાં શાસનથી ત્રસ્ત છે. લોકોનાં હૃદયમાં પરિવર્તનની ઝંખના છે તેવું આમ આદમી પાર્ટીના ગાંધીધામ મતવિસ્તારના ઉમેદવાર બી. ટી. મહેશ્વરીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અમે ભચાઉ તાલુકાનાં કબરાઉમાં મોગલધામથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા હતા. ભચાઉ તાલુકાના ગામડાં તથા શહેરી વિસ્તારમાં પ્રચાર કરાયો છે. ગાંધીધામ તાલુકા, શહેરમાં પણ કરાયો છે. હવે અમે ગાંધીધામ શહેર-તાલુકામાં ડોર ટુ ડોર પ્રચાર કરવાના છીએ. અગાઉ પ્રોજેક્ટ દ્વારા જનસમૂહને માહિતી આપવામાં આવી હતી. અમે લોકોને આમ આદમી પાર્ટીનું ગેરંટી કાર્ડ આપ્યું છે. 27 વર્ષનાં શાસનથી લોકો કંટાળ્યા છે. તેમને મજબૂત વિકલ્પની શોધ હતી, જે અમે પૂર્ણ કરશું. લોકો અમને આવકાર આપી રહ્યા છે. તેમનો મૂડ આમ આદમી પાર્ટી તરફ છે. અમારી બૂથકક્ષાની સમિતિઓ બની ગઇ છે. હાલમાં અમારી તેના ઉપર પણ કામગીરી ચાલી રહી છે. દિલ્હી, પંજાબમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, નિ:શુલ્ક વીજળી વગેરે કામો જોઇને લોકો અમારી સાથે જોડાઇ રહ્યા છે. નિ:શુલ્ક અને સારું શિક્ષણ, આરોગ્ય તબીબી સેવાઓ, રોજગારી અને ભ્રષ્ટાચારમુક્ત તંત્ર લોકોને જોઇએ છે, જે આમ આદમી પાર્ટી કરશે. આ તમામ સેવાઓ આપવામાં 27 વર્ષની સરકાર નિષ્ફળ નિવડી છે. ચૂંટણી જાહેર થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી ગાંધીધામમાં એક સફળ રોડ શો કરી ગયા હતા તેમજ હજુ પણ અમારા સ્ટાર પ્રચારકો આવવાના છે. આ બેઠક ઉપર અમારી જીત નક્કી છે. રાજ્યમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનવાનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમની સાથે હાજર રહેલા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ અમારી જીત નક્કી હોવાનું કહ્યું હતું.

© 2022 Saurashtra Trust