પ્રજ્ઞાચક્ષુ-દિવ્યાંગોએ સાબિત કર્યું કે હમ કિસી સે કમ નહીં

પ્રજ્ઞાચક્ષુ-દિવ્યાંગોએ સાબિત  કર્યું કે હમ કિસી સે કમ નહીં
માંડવી, તા. 23 : અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા-મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લાં 30 વર્ષથી સતત કાર્યરત સંસ્થા `અંધ, અપંગ માનવ કલ્યાણ સોસાયટી' સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓએ ભુજ તાલુકાના રાયધણપર ગામે કચ્છ વિકાસ ટ્રસ્ટના 33મા વિકલાંગ રમતોત્સવમાં વિવિધ રમતોમાં દબદબો બોલાવીને `હમ કિસી સે કમ નહીં' ઉક્તિને સાર્થક કરી હતી. વિકલાંગ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ છાત્રાઓ સીજુ કંકુ રવજીભાઈએ લાંબીકૂદ અને ગોળાફેંક બન્ને સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર સિનિયર વિભાગમાં મેળવ્યો છે. જ્યારે સીજુ મણી રવજીભાઈએ ગોળાફેંકમાં અને બેલેન્સિંગ એમ બંને રમતમાં જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે. સિનિયર વિભાગમાં ગરવા પૂનમ પ્રવીણભાઈએ ગોળાફેંકમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર અને દિવ્યાંગો વિંજોડા દમયંતી નાગશીભાઈએ ગોળાફેંકમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે જુનિયર વિભાગમાં ભોપા જશુ ખેતાભાઈએ જિલ્લા કક્ષાએ બીજો નંબર, જ્યારે હાથી વંદના હીરજીભાઈએ ગોળાફેંકમાં જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર મેળવીને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનું ગૌરવ વધાર્યું હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. દિવ્યાંગ છાત્રાઓ સાથે સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીર, ટ્રસ્ટી ભીમગર ગોસ્વામી અને છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન પાટોડી સાથે રહ્યા હતા. વિજેતા છાત્રાઓને કચ્છ વિકાસ ટ્રસ્ટ તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કમલેશ પાઠક, ખજાનચી પ્રતાપ ચોથાણી, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા, ટ્રસ્ટી મંડળ અને ગૃહમાતા પ્રવીણાબેને અભિનંદન આપ્યા હતા.

© 2022 Saurashtra Trust