મટન માર્કેટ અન્યત્ર ન ખસેડાય તો રહેવાસીઓ રહેશે મતદાનથી અળગા

મટન માર્કેટ અન્યત્ર ન ખસેડાય તો  રહેવાસીઓ રહેશે મતદાનથી અળગા
ભુજ, તા. 24 : શહેરના સરપટ નાકા અને ભીડનાકાના વચ્ચેના આલાવારા કબ્રસ્તાનની સામે આવેલ અને ધરતીકંપમાં ધ્વસ્ત થયેલી મટન માર્કેટમાં ખુલ્લામાં વેંચાતી માંસાહારી સામગ્રીથી આજુબાજુના રહેવાસીઓ વિવિધ સમસ્યાથી ત્રાસી ગયા, છતાં તેને રહેઠાણના વિસ્તારથી દૂર કરવાની વર્ષોની માંગણી સંતોષ ન પામતાં લોકો આગામી 1લી ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનું મન મનાવી લીધું છે. વોર્ડ-5 અને મટન માર્કેટ પાસે રહેતા સામાજિક યુવા અગ્રણી પૂજન જી. પેથાણી અને મહિલા અગ્રણી સરલાબેન ગોરે રહેવાસીઓ વતી જણાવ્યું હતું કે, છેલ્લા બાર વર્ષથી સતત નગરપાલિકા, કલેક્ટર કચેરી,?ધારાસભ્ય, સાંસદ સભ્ય, વિસ્તારના નગરસેવકો સમક્ષ લેખિત-મૌખિક આ ખુલ્લામાં કાર્યરત મટન માર્કેટથી દુર્ગંધ તો ફેલાય છે અને કૂતરા તથા કાગડા માંસના ટુકડા, ચામડા, પાંખ સહિતની ધાર્મિક લાગણી દુભાવે એવી ખરાબ વસ્તુઓ ઘરના આંગણામાં લઇ આવે છે, આવા બનાવો રોજિંદા છે. એકબાજુ રામેશ્વર અને સિદ્ધેશ્વર મહાદેવના પુરાણ મંદિરો આવેલાં છે અને બીજી બાજુ આ ખુલ્લામાં કાર્યરત મટન માર્કેટથી રહેવું દુષ્કર બન્યું છે. બંને અગ્રણીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મટન માર્કેટને દૂર કરવાના વચનો વખતો વખત મળે છે પણ કાર્યવાહીના નામે મીંડું છે. આ વખતે તંત્ર દ્વારા લેખિતમાં જ બાંહેધરી મળશે તો જ મતદાન કરશું તેવું આજુબાજુના રહેવાસીઓએ નક્કી કર્યું છે. આ બાબતે મટન માર્કેટના એસો.ના વેપારી સભ્યોએ પણ ધ્વસ્ત થયેલી માર્કેટની જગ્યાના રૂપમાં ખારસરા મેદાન પાસે પાકા બાંધકામ સાથે બજારનું નૂતન નિર્માણ થાય તો આ માર્કેટ સાથે સંકળાયેલા એકસો અઢાર જેટલા વેપારીઓ સ્થળાંતર થવા તૈયાર છે. વેપારીઓ પણ વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા સફાઇના અભાવે આજુબાજુના લોકો ભોગ બની રહ્યાં છે. એવું પણ જાણવા મળ્યું છે કે, રાજાશાહી વખતની આ માર્કેટનો કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યું છે. જેનો નિકાલ થયા પછી આગળની કાર્યવાહી શક્ય બની શકે.

© 2022 Saurashtra Trust