ગેડીના ગ્રામજનોની નર્મદા પાણી મુદ્દે હડતાળ

ગેડીના ગ્રામજનોની નર્મદા પાણી મુદ્દે હડતાળ
ચોબારી, તા. 24 : પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગેડી ગામ સુધી માઇનોર કેનાલ જેમ તેમ પહોંચી છે, પરંતુ તેમાં હજુ સુધી પાણી ન પહોંચતાં આ સિઝનનો રવિપાક લેવાશે કે કેમ તેવી દહેશત ખેડૂતોએ વ્યકત કરી ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. ગેડી ગામના ગણેશાભાઇ વેલાભાઇ સોલંકીએ ગત 15મી તારીખે કલેક્ટરને પત્ર લખીને જાણ કરી હતી કે રેવન્યૂ રેકર્ડમાં સર્વે નંબર 362 સુધી કેનાલનું સિંચાઇનું પાણી નહીં પહોંચાડવામાં આવે તો તા. 22-11થી પોતે અચોક્કસ મુદ્દત સુધી ભૂખ હડતાળ પર ઉતરશે. કેનાલમાં પાણી પહોંચાડવાનું ટેસ્ટીંગ પણ થઇ જવા છતાં હજુ સુધી પાણી ખેતર સુધી પહોંચ્યું નથી. હાલ જે લાઇન નાખવામાં આવી છે તે પણ હલ્કી ગુણવત્તાવાળી હોવાથી ખેતર સુધી પાણી પહોંચવું મુશ્કેલ હોઇ સંબંધિત તંત્ર પણ ગલ્લાં-તલ્લાં કરતું હોવાથી ખેડૂતો માટે આ રવિપાકની સિઝન વ્યર્થ જશે અને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. આથી ગેડીના ગણેશભાઇ સહિત દસથી પંદર જેટલા પરિવારજનો ખેતરની નર્મદા કેનાલની ટાંકી પાસે જ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. આથી જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ગણેશાભાઇ સહિત ગેડીના દસથી પંદર પરિવારો ખેતરની નર્મદાની કેનાલની ટાંકી પાસે હડતાળ પર બેસવાનો નિર્ણય કરાયો છે.

© 2022 Saurashtra Trust