રાપર કોંગ્રેસ ઉમેદવારની બૂથ કેપ્ચરિંગની અરજી અંગે પોલીસે આદરી તપાસ

રાપર, તા. 24 : રાપર વિધાનસભાની ચૂંટણી દરમયાન ભાજપના ઉમેદવાર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને પોલીસ રક્ષણ આપ્યાની અરજી કર્યાના મુદ્દાથી રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે મતદાન દરમ્યાન ભય ફેલાવાની આશંકા વ્યકત કરી પોલીસવડાને ચાંપતો બંદોબસ્ત ગોઠવવા અરજી કરી હતી. આ મામલે પોલીસ વડાએ તમામ પોલીસમથકોને જરૂરી તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસનો ઉમેદવાર ભચુભાઈ આરેઠિયાએ ગત તા. 22ના પોલીસવડાને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, અમુક ગામોમાં પ્રચાર દરમ્યાન પ્રવેશ કરવા નથી દેવાયો. આ માટે ભાજપના અસામાજિક તત્ત્વો જવાબદાર છે. મતદાનના દિવસે બોગસ મતદાન કરાવશે તેવી આશંકા દર્શાવી યોગ્ય બંધારણીય વ્યવસ્થા કરાવવા અપીલ કરાઈ છે. ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ, બોગસ વોટિંગની શકયતા દર્શાવી વધારાની રેપિડ એકશન ફોર્સ અને સીસી કેમેરા રાખવા માટે રજૂઆત કરાઈ છે. આ અરજી દરમ્યાન સંવેદનશીલ ગામોની યાદી પણ આપવામાં આવી છે. દરમ્યાન પોલીસવડા કચેરીના ઈન્ચાર્જ ચૂંટણી સેલ એમ. ડી. ચૌધરીએ ગામના નામોની યાદી દર્શાવાઈ છે તે ગામોમાં તપાસ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તપાસ કરી ભયમુકત વાતાવરણમાં ચૂંટણી થાય તે બાબત નક્કી કરી અહેવાલ આપવા માટે સૂચના આપવામાં આવી છે.

© 2022 Saurashtra Trust