ગુનાખોરીમાં સામેલ ઉમેદવારો ચૂંટણીમાં છ ટકા વધ્યા : એકસો માથાં તો ગંભીર ગુનાના આરોપી

ભુજ, તા. 24 : સામાન્ય માનવી માટે અસામાન્ય એવું રાજકારણનું ક્ષેત્ર સરવાળે સીધોસાદો માણસ એકબાજુ ઓછું પસંદ કરવાનું મન બનાવતો આવ્યો છે, તો બીજીબાજુ વિવિધ ગુનાઓમાં સામેલ વ્યકિતત્વની રાજકારણ અને ચૂંટણીઓમાં સામેલગીરી વધતી અનુભવાઇ રહી છે. આહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણી કરતાં આ વખતની પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં ગુનામાં સામેલ હોય તેવાઓની ઉમેદવારી છ ટકા જેટલી વધી છે. તેમાંયે નોંધપાત્ર બાબત એ સપાટી ઉપર આવી છે કે, ચૂંટણી લડી રહેલાં માથાંઓ પૈકી 100 જણ તો ગંભીર ગુનાના આરોપી છે. અલબત્ત, ગુજરાત રાજ્યનો આ સિનારિયો છેવાડે આવેલા કચ્છ જિલ્લામાં મહદ્અંશે સારું પરિણામ બતાવી રહ્યો છે. હાલે ચૂંટણીમાં ઊભનારા પૈકી માત્ર બે જણ ઉપર એક-એક ગુનો દાખલ થયેલો છે. બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં કુલ્લ 788 ઉમેદવાર મેદાનમાં છે. આ પૈકીના 167 મુરતિયા એવા છે કે, જેઓ પોલીસના દફતરે ચડેલા ગુનાના આરોપી છે. તેમાંયે વળી 167 પૈકીના 100 માથાં તો ગંભીર ગુનાના આરોપી છે. 2017ના વર્ષમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ્લ ઉમેદવારો પૈકી ગુનાખોરીમાં સામેલ હોય તેવા વ્યકિતત્વની સામેલગીરી 15 ટકા હતી. આ વખતની ચૂંટણીમાં આ ટકાવારી નોંધપાત્ર માત્રામાં વધવા સાથે છ ટકાનો વધારો થયો છે. ગુજરાત ઇલેકશન વોચ અને એ.ડી.આર.ની મોજણીમાં ગુનાખોરીમાં સામેલ ઉમેદવારોની આ વિગતો સત્તાવાર રીતે બહાર આવી છે. આ આંકડા માત્ર પ્રથમ તબક્કામાં જે બેઠકની ચૂંટણી યોજાવાની છે તેના માત્ર છે. બીજા તબક્કામાં આવા ઉમેદવારોની સંખ્યા હવે પછીના સમયમાં બહાર આવશે. ચૂંટણી માટે ઉમેદવારી રજૂ કરવા સમયે ઉમેદવાર દ્વારા અપાતી વિગતો અને સોગંદનામાંના આધારે આ આંકડા-વિગતો બહાર આવ્યા છે. દરમ્યાન રાજ્ય અને દેશના છેવાડે આવેલા કચ્છ જિલ્લામાં ઉમેદવાર અને ગુનાખોરીનો ગ્રાફ સરવાળે ઘણો સાફ જોવા મળી રહ્યો છે. હાલની ચૂંટણી માટે રજૂ થયેલા ફોર્મમાંથી સપાટીએ આવેલી વિગતો અનુસાર કચ્છમાં ચૂંટણી લડી રહેલાં ઉમેદવારો પૈકી બે જ ઉમેદવાર એવા છે કે જેમના ઉપર એક-એક ગુનો દાખલ થયેલો છે. અબડાસાના પ્રદ્યુમનાસિંહ જાડેજા ઉપર એક ગુનો છે, જ્યારે રાપર બેઠકના ભચુભાઇ આરેઠિયા ઉપર જિલ્લા બહાર એક ગુનો દાખલ થયેલો છે. બીજીબાજુ અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં કચ્છમાં સમયાંતરે ચૂંટણી માટેની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થતી આવી છે, પણ વર્તમાન સમયના માહોલ અને અમુક બેઠકો ઉપરનું ચિત્ર તાજેતરમાં બનેલી ઘટનાઓને કેન્દ્રમાં રાખીને જોવામાં આવે તો અનુભવી સૂત્રો નવા-જૂની સર્જાવાની સંભાવના પણ વ્યકત કરી રહ્યા છે.

© 2022 Saurashtra Trust