ખડીરમાં કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાના પ્રયાસથી ખળભળાટ

ખડીરમાં કોંગ્રેસના ધારાસભ્ય પર  હુમલાના પ્રયાસથી ખળભળાટ
રાપર, તા. 24 : ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર સામે વ્યકત થયેલા વિરોધ બાદ  ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી હતી. આ વચ્ચે આજે ખડીરમાં કોંગ્રેસના પ્રચાર દરમ્યાન બે શખ્સે હાથાપાઈ કરી હુમલાનો પ્રયાસ કરતાં ગરમ તાસીર ધરાવતા વાગડના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ આ બનાવ આજે બપોરે 12.30 વાગ્યાના અરસામાં અમરાપર પાસે બન્યો હતો. ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે મહિલા મંડળ સાથે ખડીરમાં પ્રવાસે હતાં. અમરાપરમાં પ્રચાર પૂરો થયા બાદ બે શખ્સે હાથાપાઈ કરી હતી અને એક જણાને માર મારી નીચે પાડી દીધો હતો. વચ્ચે છોડાવવા પડેલા ધારાસભ્યને પણ એક શખ્સે ધક્કો માર્યો હતો. આ બનાવ બાદ સંતોકબેનની ગાડી ઉપર હુમલો થયો હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડયો હતો. આ બનાવ બાદ ખડીર પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો. જેના કારણે સતત શાંત રહેતું ખડીર પોલીસ મથક ધમધમી ઊઠયું હતું. શરૂઆતમાં ફરિયાદ નોંધાવાય છે તેવી વાત આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. દરમ્યાન આ અંગે ખડીરના ઈન્ચાર્જ પી.એસ.આઈ. ડી.એલ. ખાચરનો સંપર્ક સાધતાં સંતોકબેને ફરિયાદ કરવી ન હોવાનું નિવેદનમાં જણાવ્યું હોવાનું કહ્યું હતું. બીજી તરફ ધારાસભ્ય સંતોકબેને આ અંગે અલગથી યાદીમાં જણાવ્યું હતું કે, રાજકીય પ્રતિસ્પર્ધી દ્વારા પોતાના મળતિયા ગોઠવી હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આવા ગૂંડા તત્ત્વોને વાગડના લોકો પ્રોત્સાહન ન આપે અને વાગડના ઉજળા ભવિષ્યને ધ્યાનમાં રાખી પહેલી તારીખે લોકો ડર્યા વિના અવશ્ય મતદાન કરે તેવી અપીલ કરી છે.

© 2022 Saurashtra Trust