ભાજપે માંડવી તા.નાં ગામોને હંમેશાં વિકાસથી વંચિત રાખ્યાં હોવાનો આક્ષેપ

ભાજપે માંડવી તા.નાં ગામોને હંમેશાં  વિકાસથી વંચિત રાખ્યાં હોવાનો આક્ષેપ
મોટા ભાડિયા, તા. 24 : માંડવી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહેલા સીએ કૈલાસદાનભાઇ ગઢવીને બહોળો લોકપ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનો દાવો કરાયો હતો. તેમણે આજે તાલુકાના જખણિયા, તલવાણા, દુર્ગાપર, ભરાપર, ફરાદી, પીપરી, નાની-મોટી રાયણ સહિતના ગામોના મતદાતાઓનો લોકસંપર્ક કર્યો હતો. લોકોએ વિકાસથી વંચિત રહેલા આ ગામોમાં સતાવતા જાહેર સુખાકારીના વિવિધ પ્રશ્નોની તેમની સમક્ષ રજૂઆત કરી હતી. પ્રત્યુત્તરમાં કૈલાસદાન ગઢવીએ તેમના તમામ પ્રશ્નોના ઉકેલની હૈયાધારણા આપી હતી. તેમના દિવસ દરમ્યાનના જનસંપર્ક બાદ વિવિધ ગામોના અઢારે આલમના લોકો તેમની તરફેણમાં ભારે સંખ્યામાં મતદાન કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. કૈલાસદાનભાઇએ પોતાની પાર્ટી લોકસેવાને વરેલી છે તેવું જણાવી મતદારો તરફથી મળી રહેલા આવકાર અને પ્રતિસાદ પરથી સ્પષ્ટ ફળિભૂત થાય છે કે, માંડવી બેઠક આમ આદમી પાર્ટી જંગી બહુમત સાથે જીતશે તેવો વિશ્વાસ પક્ષના આગેવાનો, કાર્યકરોએ વ્યકત કર્યો હતો. માલધારી વર્ગ, ખેડૂત વર્ગ અને મજૂરવર્ગની વેદનાઓ પાર્ટી સમજી શકે તેમ હોઇ અને તેથી જ આ વખતે આ બેઠક પર લોકો પરિવર્તન લાવવા સંકલ્પબદ્ધ બન્યા હોવાનો વિશ્વાસ પ્રવાસમાં તેમની સાથે રહેલા માજી પોલીસ ઇન્સ્પેક્ટર વિજયભાઇ ગઢવીએ વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય તમામ પક્ષો માનવના આંતરમનની વેદના સમજી શક્યા નથી. પંજાબના ધારાસભ્ય વિજેન્દ્ર ગોયલએ નાની રાયણ ગામે ગઢવી સમાજ દ્વારા તેમને વિશેષ રીતે આવકારી વિશેષ રીતે સન્માનિત કરાયા હતા. તલવાણા ગામે તેમણે વીર શહીદ હરદીપસિંહ ઝાલાની પ્રતિમાને ફૂલમાળા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રવાસમાં તેમની સાથે પાર્ટીના તાલુકા પ્રમુખ અભાભાઇ ગઢવી, કાનજીભાઇ સંગાર, હરધોળ ગઢવી, હરિ ગઢવી, ઇમામશા બાવા, ધવલ ગઢવી, કાંતિભાઇ શિરોખા, દેવેનભાઇ જોષી, બાલુભાઇ સીજુ, અયાઝભાઇ ખત્રી, સતારભાઇ માંજોઠી સહિતનાઓ જોડાયા હતા.

© 2022 Saurashtra Trust