સ્ટાર પ્રચારકોની એક સભાનો ખર્ચ પાંચ લાખથી વધુ

ભુજ, તા. 23 : કચ્છની છ વિધાનસભા બેઠક માટે યોજાનારી ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોનો પ્રચાર ધમધમાટ સાથે પરાકાષ્ટાએ પહોંચતો દેખાઈ રહયો છે. સ્ટાર પ્રચારકોની જાહેરસભા સાથે કાર્યકર મિલન, પ્રબુધ્ધ નાગરિકો સાથે ગોષ્ઠી તેમજ લોકસંપર્ક પ્રવાસના આયોજનો થઈ રહયા છે. ત્યારે એક મહત્વની રસપ્રદ બાબત પર નજર માંડીએ તો ઉઁમેદવારના પ્રચારાર્થે કોઈ સ્ટાર પ્રચારકની જાહેરસભા યોજાય તેનો ખર્ચ 4થી પ લાખ રૂપિયા થાય છે. જોકે આ ઉઁમેદવારો દ્વારા ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર દેખાડાતો ખર્ચ છે. વાસ્તવિક ખર્ચનું ચિત્ર તો તેનાથી કંઈક અલગ જ જોવા મળતું હોય છે. મોટી જનસભા હોય કે નાના પાયે યોજાતા સંમેલન હોય. તેમાં વપરાતી ચીજવસ્તુઓનું કેટલું ભાડું ચુકવવાનું થાય તેનો એક રેટ ચાર્ટ એટલે કે ભાવપત્રક તૈયાર કરાય છે અને ભાવપત્રકના આધારે જ ખર્ચ થાય તેની ખાસ તકેદારી પણ રખાતી હોય છે. સ્ટાર પ્રચારકની જાહેરસભા અને અન્ય સભાના થતા આયોજનમાં સ્ટેજ સજાવટ, સાઉન્ડ સિસ્ટમ, રેંકડી સાથેનો ટેબ્લો, સભા સંબોધવા આવતા મહેમાનોને આવકારવા માટે ઢોલ અને શરણાઈ વગાડવાની હોય કે પછી શાલ-પાઘડી પહેરાવી આવકારવાના હોય. તમામ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારને સાંકળી રીતે તે રીતના એક ભાવ નકકી કરવામાં આવ્યા છે. ખર્ચ ચકાસણી માટે નિયુકત હિસાબી ટીમ અને ખર્ચ નિરીક્ષકો એ વાતની ખાસ તકેદારી રાખતા હોય છે કે, આ મુજબ જ ખર્ચ થાય તો ઉમેદવારો પણ યેનકેન પ્રકારે ગોઠવણી કરી આ ભાવપત્રક મુજબનો ખર્ચ થાય તેની ગોઠવણી કરી લેતા હોય છે. વર્તમાનમાં જારી ચૂંટણી પ્રચારની વાત કરીએ તો વિવિધ રાજયના મુખ્યમંત્રીઓ, પ્રદેશ અને રાજયકક્ષાના નેતાઓ સભા સંબોધવા આવ્યા છે અને પ્રચારના બાકી રહેલા દિવસોમાં પણ આ ધમધમાટ જારી રહેવાનો છે ત્યારે ઉઁમેદવારો દ્વારા પ્રથમ ચકાસણીમાં રજુ કરાયેલા ચૂંટણી ખર્ચમાં સ્ટાર પ્રચારકોના સરેરાશ 4થીપ લાખ ખચાર્યા હોવાનું દર્શાવાયું છે.

© 2022 Saurashtra Trust