..તો ભુજનાં પાસપોર્ટ કેન્દ્રને ચાર દિ'' ચૂંટણીરૂપી ગ્રહણ

ભુજ, તા. 24 : ભુજના પાસપોર્ટ કેન્દ્રને લઈ અનેક જાતની વિવિધ પ્રકારની ફરિયાદો રોજે-રોજ સામે આવી રહી છે. આ વચ્ચે અહીંના પાસપોર્ટ કેન્દ્રના બે ઓપરેટરને ચૂંટણી સંબંધિત કામગીરી સોંપાતા 29-11થી 2-12 સુધી એમ ચાર દિવસ સુધી આ કેન્દ્ર બંધ રહેવાની ભીતિ સામે આવી છે. આ અંગે ભુજ પોસ્ટ ઓફિસની વડી કચેરીના હેડ પોસ્ટ માસ્ટર અનીલભાઈ વ્યાસનો સંપર્ક કરતા તેમણે વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, પાસપોર્ટ કેન્દ્ર બે ઓપરેટર પોસ્ટના કર્મચારી છે અને બધાની જેમ જ તેઓને પણ ચૂંટણી સંબંધિત કામગીરી સોંપાઈ છે. આથી 29-11થી એક તારીખના મતદાન બાદ બીજી અથવા ત્રીજી તારીખેથી પરત પાસપોર્ટ કેન્દ્રમાં કામગીરી સંભાળી શકશે. પાસપોર્ટ કેન્દ્રમાં અન્ય ઓપરેટર માટે વ્યવસ્થાની તજવીજ હાથ ધરાઈ છે. પરંતુ જો વ્યવસ્થા ન થાય તો ત્રણથી ચાર દિવસ કેન્દ્ર બંધ રહેશે તેવું જણાવ્યું હતું. બીજીતરફ ભુજ પાસપોર્ટ કેન્દ્રના અધિકારી આશુતોષ-ભાઈનો આ અંગે વારંવાર ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓનો ફોન સતત નો રિપ્લાય મળ્યો હતો. હમણા બે દિવસથી બપોર બાદ પાસપોર્ટનું સર્વર ઠપ્પ થઈ જતા અનેક અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે હવે જો આ ચાર દિવસ કેન્દ્ર બંધ રહે તો દોઢ માસ પહેલાથી જેઓએ એપોઈન્ટમેન્ટ લીધી છે તેઓનું શું થશે? અધિકારીનો ફોન નો રિપ્લાય મળતા આ પ્રશ્નનો જવાબ મળી શકયો નથી. દરમ્યાન ચૂંટણી વહિવટી તંત્ર પણ આવી અગત્યની કામગીરી કરતા ઓપરેટરોને ચૂંટણીની કામગીરીમાંથી બાકાત રાખે તો આવી મુશ્કેલી ટળી શકે તેવું સંબંધિત વર્તુળોએ અભિપ્રાય આપ્યો હતો.

© 2022 Saurashtra Trust