પોસ્ટર યુદ્ધ નહીં, હવે પોસ્ટ વોર ખેલાય છે !
રાજકોટ, તા. 23 : ચૂંટણીનો ગરમાવો જેટલો ગુજરાતનાં ગામેગામ વર્તાય છે એના કરતા વધુ સોશિયલ મીડિયામાં ગુંજી રહ્યો છે. અગાઉ જ્યારે સોશિયલ મીડિયા નહોતું કે તેનો વપરાશ આટલો નહોતો ત્યારે ચૂંટણી ટાણે પોસ્ટર યુદ્ધો છેડાતા. તેની સામે હવે સોશિયલ મીડિયામાં પોસ્ટ યુદ્ધ ખેલાય છે. છેલ્લાં એક અઠવાડિયામાં ગુજરાત ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટની સંખ્યામાં 72 ટકાનો વધારો થઈ ગયો છે. રવિવારે તો સરેરાશ 12 મિનિટના અંતરે એક પોસ્ટ આવી હતી અને તેની સંખ્યા 112 પોસ્ટ જેટલી રહી હતી. એ દિવસે ભાજપે ફેસબુક પેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણ સહિત કુલ 36 વીડિયો અપલોડ કર્યા હતા. સોશિયલ મીડિયાનાં માધ્યમથી આવી રીતે જનસંપર્ક વધારવાના પ્રયાસ કરવામાં કોંગ્રેસે પણ જોર વધારવા માંડયું છે. કોંગ્રેસની પોસ્ટની સંખ્યા એક સપ્તાહમાં 40 ટકા અને આમઆદમી પાર્ટીની પોસ્ટની સંખ્યામાં પ0 ટકાનો વધારો થઈ ગયો છે. રાજ્યમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે અને પ્રચાર પણ જાણે અંતિમ તબક્કામાં હોય તેમ પરાકાષ્ઠા ઉપર પહોંચવા લાગ્યો છે. યુવાન અને ટેક્નોસાવી મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયાનો ઉપયોગ મહત્તમ કરવામાં આવે છે. જેનું વિશ્લેષણ કરતાં ધ્યાને આવે છે કે, પ્રાદેશિક નેતાઓ દ્વારા પક્ષના અધિકૃત એકાઉન્ટમાંથી થતી પોસ્ટને રિટ્વિટ કે શેર વધુ કરવામાં આવે છે. ટ્વિટર ઉપર ભાજપ દ્વારા પોતાના શાસનમાં થયેલાં કામોના આંકડાઓ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સામે છેડે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાના આક્ષેપોનો મારો ચલાવી રહ્યો છે, તો આમઆદમી પાર્ટી રાજ્યમાં સત્તા પરિવર્તનની આવશ્યકતા દર્શાવતી પોસ્ટ વધુ કરે છે. સત્યેન્દ્ર જૈનનો જેલમાં શરીર માલિશનો વીડિયો ફૂટયો ત્યારે ભાજપ અને કોંગ્રેસ, બન્ને દ્વારા આપ ઉપર તડાપીટ બોલાવવામાં આવી હતી, જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે કોંગ્રેસ અને આપ બન્ને દ્વારા ભાજપ ઉપર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2017ની તુલનામાં સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવતી સામગ્રી પણ વધુ પરિપક્વ થયેલી દેખાય છે. પક્ષના આઇટી સેલ વિરોધીઓની ઝુંબેશ ઉપર ચાંપતી નજર રાખે છે અને સત્વરે પ્રતિક્રિયા કે પ્રત્યાઘાત આપવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે.