વાગડની વાંઢોને નિયમિત કરી સરકારી લાભ અપાવવાનાં કામને પ્રાથમિકતા : વીરેન્દ્રસિંહ

વાગડની વાંઢોને નિયમિત કરી સરકારી લાભ અપાવવાનાં કામને પ્રાથમિકતા : વીરેન્દ્રસિંહ
રાપર તા. 23 : માંડવી બેઠકના ધારાસભ્ય અને ત્રીજી વખત ઍિવધાનસભા ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા રાપરમાં જનસંપર્ક કાર્યક્રમમાં જતા પહેલા રાપરમાં મળ્યા હતા. કચ્છમિત્ર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે રાપરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને મજબુત કરવાની અધુરાશની પુર્તતા, ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા, અંતરિયાળ ગામોમાં રસ્તાના કામો હાથ ધરવા સહિતના કામો ધારાસભ્ય તરીકેની પ્રાથમિકતા હશે. તેમણે કહ્યું હતું કે પ્રવાસ દરમ્યાન રાપર તાલુકાની 70-80 વર્ષ જુની વાંઢોમાં રહેણાંક હોવા છતાંય નિયમિત નથી થઈ જેના કારણે આ રહેવાસીઓને કોઈ સરકારી યોજનાઓનો લાભ નથી મળ્યો. ધારાસભ્ય બન્યાના એક મહિનામાં જ વાંઢોને નિયમિત કરી ગરીબવર્ગ માટે સરકારની યોજનાઓનો લાભ અપાવવાની કામગીરી અગ્રતાક્રમે કરવામાં આવશે. નર્મદાના પેટા કેનાલના કામો પુરા કરવાના કામને તેમજ બાકી વિસ્તારને કમાંડ એરીયામાં સમાવવાના કામને પ્રાથમિકતા અપાશે તેવું કહ્યું હતું. આરોગ્યની ખુટતી કડીઓ પુરવા માટે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવા, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે તેને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવા સહિતના કામો પુરા કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે શાળાઓને આધુનિક બનાવાની નેમ વ્યકત કરી હતી. પ્રવાસ દરમ્યાન લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે, ધારાસભ્યએ પાંચ વર્ષ કોઈ કામો કર્યા નથી, તેનાથી ત્રસ્ત થઈને કોંગ્રેસી આગેવાનો મારી કાર્યપધ્ધતિથી પ્રેરાઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને અનેક ગામડાં કોંગ્રેસ મુકત થયા છે. મારી લીડ હશે તેટલા મત પણ કોંગ્રેસના ઉમેદવારને નહીં મળે તેવો વિશ્વાસ વ્યકત કરી ગામડાઓમાં સભા દરમ્યાન સારો આવકાર મળતો હોવાનું જણાવ્યું હતું. ચિત્રોડ ધોળાવીરા હાઈવેનું અટકેલું કામ, ધોળાવીરાને રેલવે સાથે જોડવાની કામગીરી આગળ વધે તે માટે સક્રિય કામગીરી કરવાની નેમ વ્યકત કરી હતે. અમે પાંચ પેઢીથી ભચાઉની સ્થાનિક સ્વરાજમાં શાસન સંભાળ્યું છે. ત્રીજી વખત વિધાનસભા લડી રહ્યો છું. મુંદરા માંડવીના કરેલા કામો સહિત અનુભવના ભાથાને આધારે 30 હજાર કે તેથી વધુની લીડનો વિશ્વાસ વ્યકત કરી રાપર વિધાનસભાના વિસ્તારમાં વિકાસકામો માટે 8000 કરોડ ફાળવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

© 2023 Saurashtra Trust