વિગોડીમાં ટેબલફેન ચાલુ કરવા જતાં પરિણીતાને કરંટ લાગતાં મોત

ભુજ/ગાંધીધામ, તા. 22 : નખત્રાણા તાલુકાના વિગોડી ગામે આજે ટેબલફેન ચાલુ કરવા જતાં 47 વર્ષીય ચંપાબેન ચંદુલાલ કાલરિયાને વીજળીનો જોરદાર કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ગાંધીધામ, ભારતનગર, કૈલાશ સોસાયટીમાં રહેતા ગૌતમ કરશન ચૌધરી (ઉ.વ. 27) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.નખત્રાણા તાલુકાના વિગોડી ગામે રહેતા 47 વર્ષીય પરિણીતા ચંપાબેન ચંદુલાલ કાલરિયા આજે બપોરે પોતાના ઘરનો ટેબલફેન ચાલુ કરવા જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. આથી ચંપાબેનને તાબડતોબ નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચંપાબેનના સંતાનમાં બે દીકરા 16-18 વર્ષના છે જેને પાછળ વિલાપ કરતા મૂકી માતાનું આકસ્મિક મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઇ છે. ગાંધીધામની કૈલાસ સોસાયટીમાં પ્લોટ નંબર 15માં રહેતા અને ઓટો ગેરેજની દુકાનમાં કામ કરતા ગૌતમ નામના યુવાને ગત તા. 20-9ના રાત્રિના ભાગે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાનની માતાનું ઓપરેશન થયું હોવાથી માતા તથા પત્ની વતનમાં હતા અને આ યુવાન અહીં એકલો હતો દરમ્યાન રાત્રિના ભાગે પોતાના ઘરે રહેલા આ યુવાને પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. આ યુવાને કેવા કારણોસર આપઘાત કરી લીધો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust