ગળપાદરની જેલમાંથી બે મોબાઇલ-કાર્ડ મળતાં ચકચાર

ગાંધીધામ, તા. 22 : પૂર્વ કચ્છની જિલ્લા જેલ ગળપાદરમાં ઉચ્ચ સુરક્ષા યાર્ડમાંથી અમદાવાદ ઝડતી સ્કવોડની ટીમને બે મોબાઇલ તથા એક સીમકાર્ડ મળી આવતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.અમદાવાદની જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની ઝડતી સ્કવોડની ટીમના સાત કર્મચારીઓએ આજે બપોરે અહીં કાર્યવાહી હાથ ધરી હતી. ગળપાદર જિલ્લા જેલમાં આ ટીમે ઝડતી તપાસની કાર્યવાહી કરી હતી. જેમાં ઉચ્ચ સુરક્ષા યાર્ડમાં જતાં અહીં આવેલ વિભાગ-2ની ખોલી નંબર 07ના સંડાસ અંદરથી સેમસંગ કંપનીનો મોબાઇલ મળી આવ્યો હતો.આ ટીમે ઝડતી આગળ ધપાવી હતી. ખોલી નંબર 10માં પ્લાસ્ટિકની થેલીમાં લટકાવેલ પ્લાસ્ટિકના ડબ્બામાંથી સીમ કાર્ડ મળી આવ્યું હતું તથા આ યાર્ડના ધાબા ઉપર ખોલી નંબર 10 બાજુથી એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવ્યો હતો. આ મોબાઇલનો ઉપયોગ કરનારા તથા કેદીઓને આ સુવિધા પાડનારા જેલકર્મીઓ વિરુદ્ધ ડી. આર. કરંગિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તથા મોબાઇલ એફએસએલ ખાતે ચકાસણી માટે મોકલી આપવા, કોઇએ અનઅધિકૃત રીતે ઉપયોગ કરેલ છે કે કેમ?? આ ફોન દ્વાર ગુનાહિત પ્રવૃત્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે કે કેમ ? તથા જેલમાં આવી સુવિધા પૂરી પાડવા કોઇ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ ? તે અંગે ઊંડાણપૂર્વકની ઘનિષ્ઠ તપાસ કરવા તથા તપાસમાં કોઇ કેદીઓના નામ બહાર આવે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવાયું હતું. મોબાઇલ, સીમ મળી આવવાના આ બનાવ બાદ જેલની સુરક્ષા અંગે પ્રશ્નો ખડા થયા હતા.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust