મોડવદર પાસે `પતિ, પત્ની ઔર વો''નો કિસ્સો બહાર આવતાં ભારે ચકચાર

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના મોડવદર નજીક ધોરીમાર્ગ પાસે રહેનાર એક પરપ્રાંતીય શખ્સે બે સંતાન અને પત્ની હોવા છતાં એક તરૂણી સાથે બારોબાર લગ્ન કરી રહેવા લાગતા તેનો ભાંડો ફુટયો હતો.181 અભયમને ગઈકાલે એક પરિણીતાનો ફોન આવ્યો હતો અને પોતાનો પતિ પોતાને માર મારતો હોવાનું જણાવ્યું હતું. જેથી આ ટીમ તાબડતોડ ગાંધીધામ-પડાણા ધોરીમાર્ગ પર મોડવદર નજીક બનાવ સ્થળે પહોંચી હતી. આ ટીમના કાઉન્સિલર નિરૂપાબેન ધારડ, કોન્સ્ટેબલ કૈલાશબેન પ્રજાપતિએ ત્યાં પહોંચીને ફોન કરનાર મહિલાની પૂછપરછ કરી હતી. 22 વર્ષીય પરપ્રાંતીય આ મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન બાદ પાંચ વર્ષ?સુધી ઘર સંસાર સુખેથી ચાલતું હતું. તેમને દામ્પત્ય જીવનમાં બે સંતાન છે.પરંતુ છેલ્લા બે મહિનાથી તેમનો પતિ રાત્રે સમયસર ઘરે પરત ન આવતા અને તેનો સ્વભાવ બદલાઈ જતાં તે ઝઘડો કરે છે. જે અંગે આ ભોગ બનનાર પરિણીતાને શંકા જતા તેમણે પોતાના પતિનો ચોરી છુપીથી પીછો કરી તપાસ કરતા પોતાનો પતિ અન્ય કિશોરી સાથે પણ રહેતો હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે તેના ઉપર આભ તુટી પડયું હતું. આ શખ્સે કિશોરી સાથે લગ્ન કરી લીધા હતા તેવું પરિણીતાએ અભયમની ટીમને જણાવતા આ શખ્સે પણ જણાવ્યું હતું કે, તેણે પોતાની પ્રેમિકા સાથે મંદિરમાં લગ્ન કરી તેને પોતાની પત્ની બનાવી લીધી છે. આ શખ્સ અને 17 વર્ષીય કિશોરી બિહારના છે અને એક બીજાને શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી ઓળખે છે અને બાદમાં બન્નેની આંખ મળી જતાં મંદિરમાં લગ્ન કરીને અહીં રહેતા હતા. અભયમની ટીમે કિશોરીની માતાને ફોન કરી આ તમામ વિગતો જણાવતા તેઓ અહીં આવવા નીકળી ગયા હતા અને કિશોરીને પરત વતનમાં લઈ જઈ આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આ કિશોરીને હાલમાં સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી હતી. ભોગ બનનાર પરિણીતા પોતાના પતિ સાથે જ રહેવા માગતી હોય આ મામલો મહિલા પોલીસ મથકે પહોંચ્યો હોવાનું અભયમની ટીમે જણાવ્યું હતું.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust