પચ્છમમાં ખેતીના પાકનો સૂવરનાં ટોળાંથી સોથ

સુમરાપોર (તા. ભુજ), તા. 22 : તાલુકાના આ સરહદી પચ્છમ વિસ્તારમાં હાલે મેઘરાજાની મહેરમાં સચરાચર વરસાદથી ખેતીના પાકમાં સારું ઉત્પાદન થશે અને કરજરૂપી બોજમાં ધરતીપુત્રોને આંશિક રાહત થશે એવી આશા બંધાણી હતી પરંતુ આ ખેડૂતોના આશાઓ-અરમાનો પર જંગલી જાનવર સુવરના ટોળેટોળાના સામૂહિક આક્રમણથી પાણી ફેરવી દીધું છે. મગ, મઠ, દેશી બાજરી જેવા પાકો હાલે પાકવાના સમયે આ જંગલી સુવરો વ્યાપક નુકસાન કરી રહ્યા છે. આના કારણે આવા સારા વખતમાં પણ સારા ધાન્ય પાકો થશે એના પર પાણી ફેરવી દીધું છે.ખેતી હવે દિવસે-દિવસે મહેનત માગતી તેમજ મોંઘી થતી જાય છે. ધરતીપુત્રો દિવસે-દિવસે કમજોર થતા જાય છે. મોંઘા બિયારણો, ટ્રેક્ટરોની ખેડવાણ, જીવાતની ઉપદ્રવની દવાઓ, ખાતર વગેરેના ખર્ચા વધી રહ્યા છે. હવે ખેતી કરતાં દરરોજની મૂલ, મજૂરી વધી જાય છે પણ આવી તકલીફો હોવા છતાં વારસાગત ખેતી સાથે નાતો પચ્છમના ધરતીપુત્રો નિભાવી રહ્યા છે તેવામાં આ જંગલી સુવરોના ટોળાઓની પનોતી દર વર્ષે વ્યાપક નુકસાન કરે છે જેની ચિંતા આ વર્ગને સતાવી રહી છે. રાત-દિવસ ચોકી કરી રખોપું કરતા ખેડૂતોના ખેતીના પાકો સલામત રહ્યા નથી. હજી તો શરૂઆત છે, નુકસાનીનું પિક્ચર હજી બાકી છે. શરૂઆતમાં જ જંગલી સુવરોએ ખેતીના ધાન્ય પાકોને આક્રમણ સાથે નુકસાન કરવાનું મન કરી લીધું છે. શરૂઆતમાં જ ખેડૂતો પર હુમલા કરવાના છમકલાની શરૂઆત પણ થઇ ચૂકી છે. એકલ-દોકલ વ્યક્તિઓ પર હુમલા કરતા પણ આ હિંસક સુવરો અચકાતા નથી, જેથી આ હિંસક જંગલી સુવરો વધુ મોટા હુમલા કરવાની સંભાવના નકારાતી નથી. ક્યારે પણ આ જંગલી સુવરો ખેડૂતો પર હુમલો કરશે એવી દહેશત આ વર્ગને પ્રવર્તે છે. જંગલી સુવરોના એટલા બધા ટોળાઓ નાના-નાના બચ્ચાંઓ સાથે ઊતર્યા છે. પચ્છમના ઉત્તરાદી પટ્ટીના રણ કિનારાના ગામો `દેહપટ્ટી' જુણા, તુગા, જામકુનરિયા, ધોરાવર સહિત પાશી પટ્ટી, ઉત્તરાદા, કુરન, સુમરાપોર, ધ્રોબાણા, કોટડા, મોટા સહિતના ગામો વગેરેમાં આ જાનવરોનો ત્રાસ ખેડૂતોને સતાવી રહ્યો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust