``હર ઘર તિરંગા''ના નારાને કચ્છમાં જનપ્રિય સૂત્ર બનાવવામાં કચ્છમિત્રની ભૂમિકા સરાહનીય''

``હર ઘર તિરંગા''ના નારાને કચ્છમાં જનપ્રિય સૂત્ર બનાવવામાં કચ્છમિત્રની ભૂમિકા સરાહનીય''
ભુજ, તા. 14 : સરહદી જિલ્લાનું અખબાર કચ્છમિત્ર રાષ્ટ્ર ભાવનાને વરેલું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ `હર ઘર તિરંગા'ના આપેલા નારાને કચ્છમિત્રએ  છેલ્લા એક સપ્તાહથી કચ્છના ઘરેઘર પહોંચાડવામાં ભજવેલી મહત્ત્વની ભૂમિકા સરાહનીય છે એમ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું. નીમાબેન કચ્છમિત્રના અમૃત મહોત્સવ સમાપન અને 76મા જન્મદિવસને અનુલક્ષીને આજે સાંજે કચ્છમિત્ર ભવનમાં  મહેમાન બન્યા હતા. તેમણે ગુજરાત, દેશ અને કચ્છના વિકાસની વડાપ્રધાનના દૃષ્ટિવાન નેતૃત્વ અને કચ્છપ્રેમીની વાતો કરી હતી. કચ્છમિત્રએ શનિવારના અંકમાં પ્રથમ પાને ઉપયોગમાં લઇ શકાય એ રીતે તિરંગો પ્રસિદ્ધ કરીને વાચકોના ઘર સુધી પહોંચાડવાના કરેલા નવતર પ્રયોગને બેનમૂન લેખાવીને ડો. નીમાબેને કહ્યું કે, દેશના અખબારી ઇતિહાસમાં  કચ્છમિત્રએ કરેલો પ્રયોગ બેનમૂન છે અને તેની સોશિયલ મીડિયામાં ખૂબ સારી રીતે નોંધ લેવાઈ છે. અહીં એ નોંધનીય છે કે, વાચકોએ ખૂબ વખાણેલા આ પ્રયોગનું આજે એક રાષ્ટ્રીય ગજાના અંગ્રેજી અખબારે પણ અનુસરણ કર્યું હતું. નીમાબેને અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલાના માર્ગદર્શનમાં કચ્છમિત્રની કચ્છહિતલક્ષી કાર્યનીતિ અને જાગૃત પત્રકારિત્વને બિરદાવતાં કહ્યું હતું કે, એક છાપું 75 વર્ષ જૂનાં મૂળિયાં ધરાવતું હોય એ વટવૃક્ષની છાયાનો કચ્છીઓને અને કચ્છને લાભ મળી રહ્યો છે.  મેં અગાઉ અનેક વખત કહ્યું છે કે, કચ્છમિત્ર કચ્છમાં ભગવત ગીતાની જેમ વંચાય છે એમ નીમાબેને ઉમેર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust