કચ્છ ધરાને ભીંજવે વરસાદ; ઝાપટાંથી બે ઈંચ

કચ્છ ધરાને ભીંજવે વરસાદ; ઝાપટાંથી બે ઈંચ
ભુજ, તા. 14 : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર તળે કચ્છમાં વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે શનિવારની મધ્યરાત્રિથી રવિવાર બપોર સુધીના ગાળામાં જિલ્લામાં રાપરને બાદ કરતાં 9 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. બપોર બાદ પણ મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ જળાયેલો રહ્યો હતો. સર્વાધિક વરસાદ મુંદરા, અબડાસા અને અંજાર તાલુકાના વરસ્યો હોવાનું જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું. હવામાન વિભાગે ગુરુવાર સુધી હળવો-મધ્યમ તો બુધ-ગુરુ કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. - ભુજમાં ઝાપટાંનો દોર : જિલ્લા મથક ભુજમાં શનિવારની રાત્રિથી ઝરમરનો દોર શરૂ થયા બાદ પરોઢે બેથી ચારમાં 11 મિ.મી. વરસાદ વરસ્યા પછી બપોરે એકાદ વાગ્યાના અરસામાં ધોધમાર ઝડી વરસતાં 17 મિ.મી. એટલે કે પોણો ઇંચ સાથે સવા ઇંચની મહેર જિલ્લા મથકને પ્રાપ્ત થઇ હતી. ભારે ઝાપટાં વરસતાં રાબેતા મુજબના વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઇ હતી. સવા ઇંચ સાથે ભુજમાં મોસમનો કુલ્લ વરસાદનો આંક 31 ઇંચને પાર થયો છે. પારો ગગડીને 30 ડિગ્રીથી નીચે પહોંચતાં વાતાવરણમાં થોડી ટાઢક પ્રસરી હતી. - મુંદરામાં સવા ઇંચ : સ્વતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ મેઘરાજા તિરંગાયાત્રામાં જોડાયા હતા. સવારથી સાંજ સુધી મેઘરાજાએ સંતાકૂકડી તથા ધૂપ-છાંવનો ખેલ ખેલી જોતજોતામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. વારંવાર વરસાદના જોરદાર ઝાપટા સાથે મૈત્રી કોમ્પ્લેક્સ, જવાહર ચોક, ભાટિયા ચોક, બારોઇ રોડ સહિત જોશભેર પાણી વહી નીકળ્યા હતા. આજનો 30 એમ.એમ. તથા અગાઉનો 850 એમ.એમ. કુલ્લ મળી 880 એમ.એમ. (35 ઇંચથી વધારે) વરસાદ નોંધાયાના સત્તાવાર આંકડા મામલતદાર કચેરીથી આપ્યા હતા. ધીમી ધારે વરસાદના કારણે પાલર પાણી જમીનમાં ઊતરતાં ગરમીમાં થોડી રાહત લોકો અનુભવી રહ્યા છે. તાલુકાના ગામડામાં પણ વરસાદના વાવડ છે. - માંડવીમાં અડધો ઇંચ : આ બંદરીય પંથકને 14 મિ.મી. એટલે કે અડધો ઇંચની મહેરથી વરુણદેવે નવડાવીને હાજરી પૂરાવતાં પાલર પાણી વડે રસ્તા વહેવડાવ્યા હતા. હળવા ઝાપટાઓના આગમન થકી હવા ખુશનુમા અનુભવાઇ છે. મોસમનો એકંદર આંક 849 મિ.મી. ઉપર અંકિત થયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust