ભાગલા પડયા ત્યારે નીકળો અહીંથી કહેવાયું હતું

ભાગલા પડયા ત્યારે નીકળો અહીંથી કહેવાયું હતું
ગાંધીધામ, તા. 14 : સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. આઝાદી મળી ત્યારે જે-તે સમયે કુમળી વયના બાળકોએ તે જોઇ હતી. આ બાળકો હવે જૈફ વયના થયા છે. ધીમા સ્વરે પણ મક્કમતાથી જૈફ વયના લોકોએ આઝાદી વખતના દ્રશ્યોને તાદશ કર્યા હતા. આદિપુરમાં રહેતા અને આઇ.ઓ.સી.એલ.માંથી એકાઉન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા દુર્ગાશંકરભાઇ શર્માએ સસ્મિત જણાવ્યું હતું કે મારો જન્મ પાકિસ્તાન કરાચી નજીક સુજાવાલના બેલો ગામમાં થયો હતો. આઝાદી મળી ત્યારે હું સાત વર્ષનો હતો જે વધું કાંઇ યાદ નથી પરંતુ ભારતના ભાગલા પડયા તે થોડું ઘણું યાદ છે. ત્યારે અમને નીકળો અહિંથી તેવા શબ્દો કહેવામાં આવ્યા હતા. અમે નાના બાળક હતા. અમને એમ કે નવા ભારતમાં એટલે વિદેશમાં  જવાનું છે. અમે બેલો ગામથી કરાચી આવ્યા હતા ત્યાં કચ્છી સિન્ધી મુસ્લિમોએ અમને જણાવ્યું હતું કે શા માટે જાઓ છો. અમારા ઘરોમાં કામ કરતા આ લોકોએ અમને સધિયારો આપ્યો હતો. પરંતુ અમારા વડીલો અમને લઇને બોટમાં સવાર થઇ પ્રથમ માંડવી બંદરે બાદમાં નવલખી પહોંચ્યા હતા. ત્યાં શેડમાં રહેતા હતા જે-તે વખતે ચાચા નેહરુની નિ:શુલ્ક ગાડી ચાલતી હતી તેમાં સવાર થઇને 16-17 પરિવારો  ભગવાન કૃષ્ણના ગામ વૃંદાવન પહોંચ્યા હતા ત્યાં દુધ વેંચવાનું શરૂ કરાયું હતું. બાદમાં ત્યાંથી પરત સૌરાષ્ટ્ર થઇ મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે સ્થાયી થયા હતા. ત્યારે દાદા દુખાયલ વગેરે ત્યાં આવ્યા હતા અને ગાંધીધામ, આદિપુરમાં રહેવા અમારા વડીલોને ભારપૂર્વક જણાવ્યું હતું જેથી બાદમાં અમે અહીં આવીને વસ્યા હતા અને અહીં અભ્યાસ કરીને આઇ.ઓ.સી.માં નોકરી મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust