આદિપુરમાં ચોકીદારે જ સાગરીતો સાથે મળીને 14.39 લાખનો હાથ માર્યો

ગાંધીધામ, તા. 14 : આદિપુરના પોશ ગણાતા 3-એ વિસ્તારમાં એક પરિવાર ફરવા માટે બહાર ગયો હતો અને પાછળથી નેપાળી ચોકીદારે પોતાના સાગરિતો સાથે મળી આ બંધ મકાનના તાળાં તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ એમ કુલ્લ રૂા. 14,39,000ની ચોરી કરી નાસી ગયા હતા. આદિપુરના વોર્ડ 3-એ મકાન નંબર 144માં ગત તા. 12/8ના બપોરે 1 વાગ્યાથી તા. 13/8ના રાત્રે 11 વાગ્યા દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. અહીં રહેતા અને વંશ લોજિસ્ટિક એન્ડ કંપની નામે શિપિંગ પેઢી ચલાવતા ઉમેશ વિશ્વનાથ નેનવાણીએ ચોરીના આ બનાવ અંગે આજે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદી અને તેમનો પરિવાર ગત તા. 12/8ના ફરવા માટે રાજસ્થાન ઉદયપુર ગયો હતો. દરમ્યાન ગઇકાલે બપોરે ફરિયાદીના ડ્રાઇવર સંજય લીડીયા તેમના મકાને આવી અહીં ચોકી કરનાર ચોકીદાર ધર્મબહાદુર ઉર્ફે ભરત ધનબહાદુર શાહી (નેપાળી) હાજર ન હોવાનું તથા મકાનના મુખ્ય દરવાજાનો કોમ્પ્યુટરવાળો લોક તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી રાજસ્થાનથી પરત આવ્યા હતા. તેમના ઉપરના બેડરૂમોમાં આવેલા કબાટમાં ફિટ કરેલ નાના લોકર તોડી તેમાંથી સોનાની 6 બંગડી, સોનાની વીંટી નંગ-6, ગળામાં પહેરવાનું લોકેટ, ચેઇન નંગ-બે, સોનાનો સિક્કો, ડાયમન્ડ સેટ નંગ-1, ચાંદીના 12 સિક્કા, ચાંદીની વાડકી, ચાંદીના બે ગ્લાસ, થાળી તથા રોકડ રૂા. 3,50,000 એમ કુલ્લ રૂા. 14,39,000ની મતાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust