ભુજના રેસ્ટોરન્ટમાં સફાઇ કરતા વૃદ્ધાને વીજળીનો શોક ભરખી ગયો

ભુજ, તા. 14 : શહેરના મહિલા આશ્રમ ચોકડી પાસેના રેસ્ટોરેન્ટમાં સાફ સફાઇ કરતા કુલસુમ રહેમતુલ્લા રાયમા (ઉ.વ. 64)ને ગઇકાલે વીજળીનો જોરદાર કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.ભુજના સરપટ નાકા બહાર મહિલા આશ્રમ ચોકડીની પાસે નાગોર રોડ બાજુ રોયલ રેસ્ટોરેન્ટમાં ગઇકાલે સાંજે 7-45 વાગ્યાના અરસામાં ગીતા કોટેઝ ખાતે રહેતા 65 વર્ષીય વૃદ્ધા કુલસુમ રહેમતુલ્લા રાયમા રેસ્ટોરેન્ટમાં કામ કરવા આવ્યા હતા અને સાફ સફાઇ કરી રહ્યા હતા, ત્યારે બહારની લાઇટ ચાલુ કરવા જતા તેમને વીજળીનો જોરદાર શોક લાગ્યો હતો. આથી કુલસુમબેનને તુરંત જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી.-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદની મોસમ ચાલુ છે અને વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે વીજળીનો શોક લાગવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે હાલ સાવચેતી રાખવી જરૂરી બની છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust