`હર ઘર તિરંગા'' કચ્છમિત્રની પહેલ છવાઈ

`હર ઘર તિરંગા'' કચ્છમિત્રની પહેલ છવાઈ
ભુજ, તા. 13 : આઝાદીના અમૃત મહોત્સવના અવસરે `હર ઘર તિરંગા' અભિયાનને દેશભરમાંથી જબ્બર પ્રતિસાદ વચ્ચે ઘરોઘર રાષ્ટ્રધ્વજ પહોંચે, તેવા ઉમદા હેતુ સાથે `કચ્છમિત્ર' અખબારે શનિવારે કેરલી નવતર પહેલને વાચક સમુદાય, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, અગ્રણીઓએ વધાવી લીધી છે. રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા `કચ્છમિત્ર' દૈનિકના પહેલા પાના પર તિરંગો પ્રસિદ્ધ કરીને તેમાંથી ગરિમા અને ગૌરવ જાળવાય તે રીતે રાષ્ટ્રધ્વજ બનાવીને ફરકાવવાની અપીલને દેશપ્રેમી વાચકો, નાગરિકોએ સ્વીકારી હતી. કચ્છ, બૃહદ કચ્છમાં વસતા કચ્છીઓ, વાચકો દ્વારા અખબારની પહેલ ચર્ચામાં રહી હતી.ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં વસતા નવીનભાઈ પીનારાએ `કચ્છમિત્ર'માં આપેલો તિરંગો તેમના ઘર પર ફરકાવ્યો હતો, જેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હતી. આ રીતે અનેક લોકોએ કચ્છમિત્રના કટિંગમાંથી રાષ્ટ્રધ્વજ તૈયાર કરીને તેનો વાહન ઉપર કે ઘરમાં ઉપયોગ કર્યો હતો. કદાચ દેશના કોઈ અખબારે આવો પ્રયોગ નહીં કર્યો હોય, તેવી નોંધ સાથે સોશિયલ મીડિયા પર કચ્છમિત્રની પહેલને ઉમળકાભેર આવકાર અપાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ કચ્છ વિભાગના જિલ્લા સંપર્ક  પ્રમુખ ચિરાગ કોઠારીએ અનોખી પહેલ બિરદાવી હતી. નાગરિકોએ પોતાના વાહનો, ઘરની છત, અગાશી પર `કચ્છમિત્ર'માં અપાયેલો તિરંગો ફરકાવ્યો હતો.વરિષ્ઠ અગ્રણી અને અંગદાન પ્રવૃત્તિના મુખ્ય પ્રચારક દિલીપ દેશમુખે કહ્યું કે, સવારે કચ્છમિત્ર હાથમાં આવતાં જ તિરંગો આંખોમાં છવાઈ ગયો. ખૂબ ઉમદા વિચાર, આ રાષ્ટ્રભાવનાથી રંગાયેલું અખબાર જ આવું કરી શકે. લાયન્સ હોસ્પિટલના ભરતભાઈ મહેતા અને અભય શાહે પણ આ પ્રયોગને અભિનંદન પાઠવ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust