ગાંધીધામમાં ટ્રેડ યુનિયનોની બેઠકમાં જિલ્લા કાઉન્સિલ રચવા ઠરાવ કરાયો

ગાંધીધામ, તા. 13 : અહીંના સિંધુબાગ ખાતે ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા જિલ્લાના તમામ યુનિયનની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કાઉન્સીલની રચના કરવાનો સર્વસંમતિથી ઠરાવ કરાયો હતો.બેઠક ભગવાનભાઈ વરૂના અધ્યક્ષપદે બોલાવાઈ હતી. જેમાં કંડલા પોર્ટ વર્ક યુનિયન, કંડલા ફ્રી ટ્રેડ ઝોન જનરલ વર્કસ યુનિયન, જિલ્લા નગરપાલિકા વર્કર યુનિયન, કચ્છ, ગાંધીધામ ટ્રાન્સપોર્ટ વર્કર યુનિયન જનરલ વર્કર યુનિયન, કચ્છ ડિસ્ટ્રીક્ટ તેમજ અલગ-અલગ કંપનીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કામદારના પ્રશ્નોની વિવિધ ચર્ચાઓ કરાઈ હતી. મુખ્ય માર્ગદર્શક મુખ્ય વક્તા તરીકે મેઘજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે, કામદારોના મુખ્ય ચાર કોડ કાયદાઓને નાબૂદ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. તેમની સામે કામદારોને આંદોલિત થવા હાકલ કરી હતી. ટ્રેડ યુનિયન સંગઠનોએ એક જિલ્લા કાઉન્સીલની રચના કરવાનો ઠરાવ કરાયો હતો. ચર્ચા-વિચારણા બાદ પ્રમુખ તરીકે દિલીપભાઈ ચાવડાને તેમજ અન્ય હોદ્દેદારો ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ સુંઢા, મંત્રી તરીકે મહેશ્વરી ભરતભાઈ અને સહમંત્રી તરીકે બીજેન્દ્રભાઈ રાઠોડની નિમણૂક કરાઈ હતી. કારોબારી સમિતિ તરીકે ભગવાનભાઈ વરૂ, મેઘજીભાઈ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ ગોહિલ, જીતુભાઈની નિમણૂક કરવામાં આવી હતી.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust