આંબેડકર યુનિ.નાં ભુજ સહિતનાં ચાર પ્રાદેશિક કેન્દ્રનું ભૂમિપૂજન

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) :ગુજરાત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં ભાવનગર, ભૂજ, સુરત, અને પાલનપુરનાં પ્રાદેશિક કેન્દ્રોના ભવનોનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (બીએઓયુ)ને એનએએસીમાં મળેલ  એ++ રેન્ક બદલ અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. મુખ્યમંત્રીએ બીએઓયુ દ્વારા છેવાડાના લોકો, મહિલાઓ, દિવ્યાંગો તથા ખાસ કરીને ટ્રાન્સજેન્ડરને શિક્ષિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ સમય સાથે ચાલીને દ્રોણાચાર્ય સેન્ટર કે એકલવ્ય પોર્ટલ થકી રાજ્યના લોકોને ઘરે બેઠા બેઠા જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાની તક પૂરી પાડી રહી છે. પ્રાદેશિક કેન્દ્રો થકી છેવાડેના લોકો સુધી શિક્ષણ આસાનીથી પહોંચી શકશે, એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.  રાજ્યમાં 20 વર્ષ પહેલાં માત્ર 11 યુનિવર્સિટીઓ હતી, આજે આ સંખ્યા વધીને 102એ પહોંચી છે. ઊર્જાથી થનગનતા યુવાનોને શિક્ષણ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust