`હિજરતી'' માલધારીઓનાં બાળકોનું શિક્ષણ `લંગડાયું''

`હિજરતી'' માલધારીઓનાં બાળકોનું શિક્ષણ `લંગડાયું''
બાબુ માતંગ દ્વારા - નિરોણા (પાવરપટ્ટી), તા. 5 : અષાઢે થયેલી અતિવૃષ્ટિને પગલે જત માલધારીઓવાળી ગણાતી પશ્ચિમ બન્ની પાલર પાણીમાં તરબતર થયા પછી પંથકના નાના-મોટા આઠેક ગામોના માલધારીઓએ એ જ પ્રદેશમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ સપ્તાહથી હિજરત કરી છે. કાચાં ઝૂંપડાઓ કે તાલપત્રીની આડશમાં જીવન ગુજારતા માલધારીઓની વસાહતમાં માળખાંગત સુવિધાના અભાવે શિક્ષણ સેવા પર માઠી અસર પડી છે.તો આરોગ્યસેવા પૂરી પાડવામાં પણ તંત્ર ભારે ઊણું ઊતર્યું હોવાના આક્ષેપો છે. પશ્ચિમ બન્નીના ઘણા ગામો વરસાદી પાણીથી ઘેરાઈ ગયા પછી ત્રણેક સપ્તાહ પૂર્વે આ વિસ્તારના ભગાડિયા, છસલા, સરાડા નાના-મોટા, સેરવો, સાવલપર, રભુવાંઢ, સુમાલીવાંઢ સહિત આઠેક ગામોના અનેક પરિવારો એ જ પંથકમાં ગુંગઈઢુઈ, તાલબવેઢ, થલાવાંઢ (હોડકો) જેવા ઊંચાણવાળા વિસ્તારોમાં કંતાન કે પ્લાસ્ટિક મઢેલા કાચાં ઝૂપડાં તાણી વસવાટ કરે છે. માલધારીઓ ગામ છોડી અહીં આવ્યા પછી એમનાં બાળકો માટે શિક્ષણની સેવા કાયમ બની રહે તે માટે શિક્ષકો તો ફરજ પર હાજર થાય છે પરંતુ બાળકોને બેસાડવા પૂરતા અને મજબૂત તંબુના અભાવે શિક્ષણ પર માઠી અસર ઊભી થઈ છે. પશ્ચિમ બન્નીના ગુગરઢુઈ પર આવેલ હિજરતી વસવાટની કચ્છમિત્રે મુલાકાત લીધી ત્યારે એક તૂટેલા-ફૂટેલા તંબુમાં લગભગ 80થી પણ વધુ બાળકો ખીચો-ખીચ ભરાયેલા જોઈ ભૂકંપ બાદ હંગામી વસાહતોમાં ચાલતી શાળાઓની જૂની યાદ તાજી બની હતી. તંબુમાં પ્રવેશ કરતાં ચૂપચાપ બેસી ગયેલા બાળકોના ચહેરા પર કંઈક શીખવાની તમન્ના સ્પષ્ટ દેખાતી હતી.ખૂણામાં એક ખાટલા પર ત્રણેક શિક્ષકો બેઠા હતા. તો એક બાજુ ભણાવવા માટે સફેદ બોર્ડ નજરે ચડયું હતું. મોટા ભાગના બાળકો દફતર વિહોણા જણાયા હતા. આ બાબતે શિક્ષકોને પૂછતાં જણાવ્યું હતું કે અહીં છસલા અને ભગાડિયાના 350 જેટલા પરિવારો સ્થાયી થયા છે. બન્ને ગામોમાં પાણી ભરાયાં પછી જરૂરી ઘરવખરી લઈને ભાગ્યા છે. જેને લઈ મોટા ભાગના બાળકોના દફતર ઘેર જ રહી ગયા છે. થોડા દિવસો બાદ પાણી ઘટતાં વાલીઓ ઘેરથી દફતર લાવશે ત્યાર પછી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust