પશ્ચિમ કચ્છમાંથી લમ્પિની વિદાયનો દાવો
ભુજ, તા. 5 : લમ્પિ ચર્મરોગથી ગાય અને ગૌવંશ મોટી સંખ્યામાં ગ્રસ્ત થતાં ગૌપ્રેમીઓની વધેલી ચિંતાની લકીરો હળવી થાય તેવી વિગતો આપતાં જિલ્લા પશુપાલન તંત્રે જણાવ્યું કે, લખપત નખત્રાણા અને અબડાસામાં રોગની વિદાય થવાનો દાવો કરાયો છે. જ્યારે માંડવી તાલુકાના 60 ટકા વિસ્તારમાં નવા કેસ નથી આવતા તેવું ઉમેર્યું હતું.ભુજ, મુંદરા, રાપર, માંડવીના બાકી વિસ્તારમાં રસીકરણ કામગીરીને વેગ અપાયો છે. ત્યાં વધારે પડતું જોર લગાવી જલ્દી રસી અપાઈ જાય તો લમ્પિ સામે પશુઓમાં રોગ પ્રતિરોધક શક્તિ આવી જાય તો થોડા દિવસોમાં રોગ વિદાય થાય.રસીકરણ ઝુંબેશ 23 જુલાઈથી શરૂ કરાઈ છે. હજુ ઓગસ્ટમાં કામ ચાલશે, તેવું નાયબ પશુપાલન નિયામક ડો. હરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, તંત્રની સાથે સેવાભાવીઓની સહિયારી મહેનત લેખે લાગી રહી છે. ચાર વેટરનરી કોલેજની ટીમો આવી ગઈ છે. નબળા પશુ ભુજ, ગાંધીધામ અને અંજારના આઈસોલેશન વોર્ડમાં વધારે છે.પશુપાલન વિભાગ દ્વારા શુક્રવાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ 2,90,673 પશુઓને રસીકરણ કરાયું છે. રસીના 1,42,645 ડોઝ ઉપલબ્ધ છે. 57,076 પશુઓને સારવાર અપાઈ છે. કુલ પશુમરણ 1472 છે. અસરગ્રસ્ત 38,563 છે. 23 આઈસોલેશન કેન્દ્રોમાં અસરગ્રસ્ત 1009 પશુને સારવાર અપાઈ રહી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com