કુકમામાં તા.12, 13 અને 14ના ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની નિ:શુલ્ક તાલીમ અપાશે

કુકમા (તા. ભુજ), તા. 5 : કુકમા ખાતે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સળંગ 82મી નિ:શુલ્ક શિબિર તા. 12-13-14 ઓગસ્ટના  યોજાશે, જેમાં ખેડૂતો અને ખેતી કરવા અને સમજવા ઇચ્છુક લોકો ભાગ લઈ શકશે. ખેતી એક પારિવારિક માનવીય વ્યવસાય હોઈ તેમાં સૌ સહપરિવાર જોડાય તેવો આગ્રહ આયોજક સંસ્થા દ્વારા કરાયો છે.ખેતી વ્યવસાય ખોટ સમાન બન્યો છે ત્યારે તેનાં દરેક પાસાંને સમજીને આયોજનપૂર્વક રીતે કૃષિ કરવાની વૈજ્ઞાનિક ઢબની સમજ આ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન અપાશે. જમીનની ઓળખ, જમીનનું પોષણ, જંતુરોધકો, રોગ અને જીવાતનું વ્યવસ્થાપન, સિંચાઇ વ્યવસ્થા, ખેડ અને વિખેડની પદ્ધતિઓ, ઔષધીય રોપા વાવેતર, સરકારની વિવિધ યોજનાઓની સમજ, ગાયનું ખેતીમાં અને સર્વાંગીણ મહત્ત્વ, મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા વિગેરેની સમજ કોઠાસૂઝવાળા ખેડૂતોની સાથેસાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સત્રો દરમ્યાન લેવામાં આવશે. આ ઉપરાંત પૂર્ણ કમ્પોસ્ટ ખાતર તેમજ વિવિધ જંતુરોધકો વિશેનાં પ્રેક્ટિકલ સત્રો પણ ગોઠવવામાં આવ્યાં છે. ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી પ્રાકૃતિક ખેતી પરની ફિલ્મ `જાગ્યા ત્યારથી સવાર' પણ દર્શાવવામાં આવશે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com    

© 2022 Saurashtra Trust