વડીલો પરના પરંપરાગત જળાભિષેકમાં મેઘમહેરની આશ

વડીલો પરના પરંપરાગત જળાભિષેકમાં મેઘમહેરની આશ
નખત્રાણા, તા. 1 : કોરોનાના બે વર્ષના કપરાકાળ બાદ તાલુકાના વિથોણ ખેતાબાપા સંસ્થાને કચ્છી નવા વર્ષ આષાઢી બીજની આનંદ-ઉમંગ તેમજ ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી થઈ હતી. આ પ્રસંગે દેશાવર વસતા પાટીદાર પરિવારો વિથોણ પંથક સહિત આસપાસના વિસ્તારોમાંથી ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. સંકુલ બહાર મેળો ભરાયો હતો. વિથોણ ખેતાબાપા સંસ્થાને આષાઢી બીજની ઉજવણી પરંપરા મુજબ અનોખી રીતે થાય છે. ચોમાસાના મેઘરાજાના આગમન અને ખેતાબાપાના ચરણોમાં તેમજ વડીલો પર થતા જળાભિષેકમાં પણ કચ્છની મેઘતૃષ્ણા છુપાયેલી છે.આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ઓરિસ્સા - ભગવાન શ્રી જગન્નાથજીના રથનું ચક્ર-પૈડું પુરીથી સંકુલ ખાતે આવી પહોંચતાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. શુક્રવારે શુકનવંતી આષાઢી બીજના સવારથી બફારા-ભેજ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. કયાંક અમીછાંટણા પણ થયા હતા. સવારથી જ વિથોણમાં આષાઢી બીજની ઉજવણીનો થનગનાટ હતો. વહેલી સવારથી જ પૂ. ખેતાબાપાને શ્રીફળ, સુખડીની ચડતર ચડાવવા ભાવિકોની લાંબી કતારો લાગી હતી. બાપાના ચરણોમાં ભાવિકોએ માથું ટેકવી શ્રીકાર વરસાદની  પ્રાર્થના કરી હતી. ઉજવણી દરમ્યાન ભાવિકોની સંકુલમાં ભારે ભીડ જોવા મળી હતી. સંગીતના સથવારે ભજન, ભક્તિરસ સાથે સ્થાનિક ભાવિકો તેમજ દેશાવર વસ્તા પ.પૂ. બાપાના ભક્તોએ ઉમંગભેર ચડાવામાં ભાગ લઈ લીધો હતો. સાથે માતબર રકમનું ફંડ એકત્રિત થયું હતું. ઓરિસ્સાના જગન્નાથપુરીથી આવેલા પવિત્ર પૂ. જગન્નાથજીના રથના પૈડાં દાતા મૂળ વિથોણના હાલે બલાંગીર (ઓરિસ્સા)ના મગનલાલ ધનજીભાઈ, દેવજીભાઈ પદમાણી પરિવાર રહ્યા હતા, તેમજ બિબ્બર આશ્રમના મહંત જગજીવનદાસજી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ખેતાબાપાની પાલખી નીકળી હતી. જે સમગ્ર પરિસર ફરી પરત બાપાના મંદિરે પહોંચી હતી. ત્યારબાદ યોજાયેલા મહાપ્રસાદમાં તમામ સમાજના લોકો જોડાયા હતા. પૂ. બાપાના ચરણોમાં જળાભિષેક કર્યા બાદ ગામના ચોકમાં બેઠેલા વડીલો પર જળાભિષેક સાથે વડીલોની વંદના સાથે વરુણ દેવની અસીમ કૃપા વરસે તેવી અભ્યર્થના સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અનોખી પરંપરા 415 વર્ષ જુની છે.  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા  પંદર વર્ષથી ખેતાબાપા સંસ્થાનનો સર્વાંગી વિકાસ સાથે આ વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં આ પવિત્ર તીર્થધામ સાથે પર્યટન તરીકે વિકાસ થયો છે અને હજુ પણ વિકાસ સાથે અદ્યતન બાંધકામ, ભોજનાલય, બાળકો માટે ક્રિડાંગણ -બગીચા સાથે વિકસી રહ્યા છે. બે દિવસીય આષાઢી બીજની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા ખેતાબાપા સંસ્થા સમિતિના પ્રમુખ શંકરભાઈ પદમાણી તેમજ કાંતિભાઈ પદમાણીના માર્ગદર્શન હેઠળ વિથોણ, આણંદસર પા. યુવક મંડળ, મહિલા મંડળ, સમિતિના સભ્યો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન પ્રોફેસર કે.વી. પાટીદારે કર્યું હતું.  

© 2022 Saurashtra Trust