સરલી પાસે કાર-છકડાના અકસ્માત બાદ ટોળાંએ હુમલો કરી 1.25 લાખની ધાડ પાડી

સરલી પાસે કાર-છકડાના અકસ્માત બાદ ટોળાંએ હુમલો કરી 1.25 લાખની ધાડ પાડી
ભુજ, તા. 1 : તાલુકાના સરલી ગામના પાટિયા પાસે છકડો અને કાર વચ્ચે અકસ્માત  સર્જાયા બાદ 10 જણનાં ટોળાએ વેપારી કારચાલકને માર મારી 1.25 લાખની ધાડ પાડી હતી. દરમ્યાન અકસ્માતમાં ઘવાયેલી મહિલાએ કારચાલક સામે પણ ફરિયાદ નોંધાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ સરલી ગામના પાટિયા પાસે ગત રાત્રિના 8.15 વાગ્યાના અરસામાં બન્યો હતો. ભુજ તાલુકાના મિરજાપર ગામમાં વેપાર કરતા ફરિયાદી કલ્પેશ રામજીભાઈ પારસિયાએ આરોપીઓ રિક્ષાચાલક સલીમ, અસલમ હુસેન, અશરફ ગફુર, ઈમરાન મામદઅલી, અલ્તાફ ઈસા, મામદ આમદ,મોસીન ઓસમાણ, સાજીદ ઓરસ, જુબેર ઓસમાણ અને એક અજાણ્યા આરોપી સામે ધાડ,મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કારચાલક  મિરજાપરથી દુકાન બંધ કરીને કારમાં નીકળ્યા હતા. આ દરમ્યાન સરલી ગામના પાટિયા પાસે છકડાચાલકે કોઈ પણ પ્રકારે સિગ્નલ આપ્યા વિના વળાંક લીધો હતો. ફરિયાદીએ બ્રેક મારી, પરંતુ વરસાદનાં કારણે રસ્તો ભીનો હોવાનાં કારણે ગાડી સ્લીપ થઈ ને છકડા સાથે અથડાઈ હતી.અકસ્માત બાદ છકડાચાલક ચાયની હોટેલ ઉપર જઈને 10 માણસને લાવ્યો હતો. કારચાલકે છકડામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ હોય તો  સારવારનો ખર્ચ આપવા તૈયારી દર્શાવી હતી, પરંતુ  ટોળાંએ  ફરિયાદીને  કારમાંથી ઉતારીને  પંદરેક  મિનિટ સુધી  માર માર્યો હતો. શેઠને માર ખાતાં જોઈ તેમની સાથે રહેલો તેમનો કર્મચારી અરવિંદ નાસી ગયો હતો. દરમ્યાન તેમણે તેમના ભાઈને ફોન કરવા મોબાઈલ કાઢ્યો ત્યારે ટોળાંએ રૂા. 25 હજારની કિંમતનો વનપ્લસ કંપનીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને કોઈ શખ્સે કારમાંથી  દુકાનના વકરાના રૂા. 1 લાખ રોકડ રાખેલું પર્સ પણ  લઈ જઈ 1.25 લાખની કિંમતની ધાડ પાડી હતી. આરોપીઓ માર મારી નાસી ગયા હતા. હતભાગી વેપારીએ તેમના ભાઈને ફોન કર્યા બાદ  ઘટનાસ્થળે આવ્યા હતા અને ભુજની ખાનગી હોસ્પિટલમાં  સારવાર અપાવી હતી. આ અંગે માનકૂવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બબાલમાં વેપારીની રૂા. 45 હજારની કિંમતની સોનાની ચેઈન પણ પડી ગઈ હતી.દરમ્યાન અકસ્માતના બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત મહિલા અફસાના રજાક ઓઢેજાએ આરોપી કારચાલક વેપારી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી કારચાલકે પૂરઝડપે કાર ચલાવી છકડાને હડફેટે લેતાં ફરિયાદી અને સાહેદ મહિલા છકડામાંથી ફંગોળાઈ ગયા હતા. ફરિયાદી મહિલાને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2022 Saurashtra Trust