મોટી વિરાણીમાં નિરાધાર પરિવારની વહારે ગ્રામજનો

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 1 : અહીં નિરાધાર બનેલા પરિવારની વહારે માનવતાવાદી દાતાઓએ આવીને પરિવારના આંસુ લૂછયાં હતાં. ગ્રામ વિકાસ મંડળ સંચાલિત જી.એમ.ડી.સી. હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપતા ધર્મેન્દ્રભાઇ બાલાભાઇ રાણવાને કેન્સર થવાના કારણે નોકરીમાંથી નિવૃત્ત થયેલા પીડિત કર્મચારી એક વરસમાં સારવાર દવાના ખર્ચમાં આર્થિક રીતે હતાશ થયા હતા. દરમ્યાન, પીડિત ધર્મેન્દ્રભાઇનું અવસાન થતાં પરિવારમાં પત્ની, ત્રણ પુત્રી, એક પુત્ર સહિત નાની વયના ચાર સંતાન મળી પાંચ જણનો પરિવાર નિરાધાર બન્યો હતો. ભરણપોષણ માટે સંકટ સર્જાયો ત્યારે `વૈશ્નવજન તો તેને કહીએ જે પીડ?પરાઇ જાણે રે...'ને અનુસરી દરેક સમાજને વહારે થવા ગામની પરંપરા મુજબ ગ્રામ વિકાસ મંડળ, ગ્રામ પંચાયત, વેપારી મંડળ, કિસાન સંઘની સંયુક્ત આગેવાનોની બેઠક યોજવામાં આવી. પરિણામે જનસેવા એ જ પ્રભુસેવામાં નિષ્ઠાધારીઓ દ્વારા બે લાખનો ફાળો એકત્ર થયો હતો. ઉપરાંત દાતાઓ દ્વારા અન્ન, ઘરવખરીની સહાયતા કરાઇ હતી, હજુ સહાયનો પ્રવાહ ચાલુ છે. ગ્રા.વિ. મંડળના પ્રમુખ ભરતભાઇ?સોમજિયાણી, અર્જુનસિંહ જાડેજા, સરપંચ વતીથી ગોવિંદભાઇ બળિયા, ઉપસરપંચ રતિલાલ સેંઘાણી, વેપારી મંડળના પ્રમુખ અનિલભાઇ?ભાનુશાલી, મંત્રી દીપકભાઇ?આઇયા, કિસાન સંઘના પ્રમુખ વેલજીભાઇ મુખી, પૂર્વ સરપંચ છગનભાઇ આઇયા, લઘુમતી સમાજના પ્રમુખ ઓસમાણભાઇ લંગા, હાજી નૂરમામદભાઇ ખત્રી, સુરેશભાઇ કાનજિયાણી, સૂર્યકાંત ધનાણી, શંભુભાઇ સોની, ડાયાભાઇ બળિયા સહિત મુકેશ રાણવા, અગ્રણીઓ હાજર રહ્યા હતા.