માણસનું મનોબળ જો મજબૂત હોય તો તેને દિવ્યાંગતા પણ બાધારૂપ ન બને

માણસનું મનોબળ જો મજબૂત હોય તો તેને દિવ્યાંગતા પણ બાધારૂપ ન બને
ભુજ, તા. 1 : કચ્છ અંધ કલ્યાણ સમિતિ દ્વારા ભુજમાં બ્રેઇલ મેગેઝિન રજત જયંતી કાર્યક્રમ તેમજ જરૂરિયાતમંદ નેત્રહીનોને રાશનકિટ વિતરણનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ જાદવજીભાઇ વરસાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિવિશેષ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાના હસ્તે `કચ્છ સૌરભ' રજત જયંતી અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં નેત્રહીનોમાં પડેલી ક્ષમતાને બહાર લાવવા માટે સમાજે તેમને પ્રોત્સાહિત કરવા જોઇએ અને સમાજની મુખ્ય ધારામાં રહી સ્વમાનભેર જીવી શકે એ માટે આપણે સૌએ એમને સહયોગ આપવો જોઇએ એવું જણાવ્યું હતું. અતિથિવિશેષ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કરે સંસ્થાના સંસ્થાપક મહામંત્રી એલ. એન. ગઢવીની તસવીરનું અનાવરણ કર્યું હતું. તેમણે સંસ્થાને નગરપાલિકા તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી અને નગરપાલિકા તરફથી સંસ્થાને પાંચ બાંકડા આપવાની જાહેરાત કરી હતી અને પોતાના તરફથી પણ યોગદાન નોંધાવ્યું હતું. અતિથિવિશેષ અને જાણીતા કેળવણીકાર હરેશભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, વ્યક્તિએ પોતાની શક્તિનું ક્યારે પણ ઓછું આકલન કરવું ન જોઇએ. તેમણે દિવ્યાંગ રમતવીર અને પર્વતારોહક અરૂણીમા સિન્હાનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે, માણસનું મનોબળ મજબૂત હોય તો આગળ વધવા માટે તેને દિવ્યાંગતા બાધારૂપ બનતી નથી. જુદા-જુદા વિસ્તારમાંથી આવેલા જરૂરિયાતમંદ 40 જેટલા નેત્રહીનને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓ સ્વ. ડો. જયભાઇ સંઘવી પરિવાર, સ્વ. ઉમાકાંત ત્રિપાઠી પરિવાર, મેઘજીભાઇ કરસનભાઇ વરસાણી- સામત્રા તથા દેવશીભાઇ દેવજીભાઇ વરસાણી-સામત્રાએ રાશનકિટ માટે દાન નોંધાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ જાદવજીભાઇ વરસાણી તેમજ ઉપપ્રમુખ જિતેન્દ્રભાઇ શાહ વિશેષ વ્યવસ્થાના દાતા રહ્યા હતા. મહામંત્રી રતિલાલ પટેલે સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિનો ચિતાર રજૂ કર્યો હતો. દાતાઓનો આભાર પણ માન્યો હતો. ખજાનચી સચિનભાઇ ઉપાધ્યાયે સ્વાગત કર્યું હતું. તાજેતરમાં નિવૃત્ત થયેલા સંગીત શિક્ષક હોથુજી જાડેજા, પરષોત્તમભાઇ ઠક્કરનું નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન સંસ્થાના મંત્રી દીપાબેન મોહિતભાઇ મહેતાએ કર્યું હતું. કારોબારી સભ્યો, મંત્રી ભીમગરભાઇ ગોસ્વામી, કરમશીભાઇ પટેલ, કચ્છ ચેમ્બરના દિલીપભાઇ કોરડિયા, ભરતભાઇ સંઘવી તથા ઇન્દુબેન મકવાણાએ વ્યવસ્થા સંભાળી હતી. 

© 2022 Saurashtra Trust