માંડવી-મુંદરા તા.ના નવ બાળક સહિત 14 કેસ

ભુજ, તા. 1 : માંડવી તાલુકામાં કોરોનાએ ખાતું ખોલાવ્યું હોય તેમ નાના ભાડિયાના સાત બાળકોનાં પોઝિટિવ કેસ આવવાનાં પગલે આજે રજા હોવા છતાં ગુંદિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ ધસી ગઈ હતી. તો મુંદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 12 અને 1પ વર્ષના છોકરાના પોઝિટિવ રિપોર્ટ નોંધાયાની વિગતો પ્રાપ્ત થઈ હતી. આજના 14 કેસ સાથે જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 61 થઈ  ગયો છે. માંડવીથી પ્રતિનિધિને પ્રાપ્ત વધુ વિગતો મુજબ આજે રજા હોવા છતાં ગુંદિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અશ્વિનીબેન ફુફલ, ડો. પ્રતીકભાઈ ચાવડા, સુપરવાઈઝર નિર્મલ આસોડિયા, અમિત પરમાર વિગેરે સ્ટાફે નાના ભાડિયાના ઘર-ઘરમાં જઈ 60 જેટલા સેમ્પલ લીધા હતા.આરોગ્ય અધિકારી ડો. પાસવાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ (બાળકો)માં કોઈ લક્ષણો નથી દેખાયા. કોઈએ ગભરાવવાની જરૂરત નથી, કોઈ પણ બાળકો કે 60 વર્ષથી ઉપરના લોકોએ તાત્કાલિક રસી લઈ લેવા અનુરોધ કર્યો હતો. ગાંધીધામના ત્રણ કેસ પૈકી એક મધ્યપ્રદેશથી આવેલા પ1 વર્ષીય આધેડ સેકટર-પના રહેવાસી છે. બીજા કેસમાં આદિપુરના મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ત્રીજો કેસ કંપનીમાં કામ કરતી એક વ્યક્તિનો ચાર દિવસ પહેલાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ બહાર જવાનું હોવાથી ફરીથી ટેસ્ટ કરાવતાં યથાસ્થિતિ રહી છે.ભુજની ભાગોળે માધાપર યક્ષ મંદિર પાસેની એક વ્યક્તિનો ગઈકાલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેમણે આજે ફરી ટેસ્ટિંગ કરાવતાં યથાવત્ સ્થિતિ જણાઈ હતી. તંત્રની યાદીમાં આજના 14 પોઝિટિવ કેસ દર્શાવાયા છે જેમાં અબડાસાનો એક છે, પણ પ્રાપ્ત વિગતો મુજબ બે કેસ છે. એરફોર્સના 21 વર્ષીય યુવાન અને તેના 54 વર્ષીય માતાને અમદાવાથી સંક્રમણ લાગ્યું છે. તે સાંજ સુધી ભુજથી અબડાસા પહોંચ્યા ન હોવાની વિગતો સૂત્રોમાંથી જાણવા મળી હતી. આમ શહેરી વિસ્તારમાં ગાંધીધામના ત્રણ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અબડાસા અને ભુજનો એક, મુંદરાના 2 અને માંડવીના 7 સહિત 11 કેસ કેસ નોંધાયા હતા, જ્યારે એકેય દર્દી સ્વસ્થ થયાનું જાહેર કરાયું નથી. આજે એકિટવ પોઝિટિવ કેસ ઊંચકાઈને 61 થઈ ગયા છે.  

© 2022 Saurashtra Trust