કચ્છ શાખા નહેર અને પેટા કેનાલમાં પણ સિંચાઈ માટે પાણી છોડો

રાપર, તા. 1 : વરસાદ ખેંચાતાં રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની મુખ્ય કેનાલોમાં પાણી છોડવાની જાહેરાત કરાઈ છે ત્યારે સિંચાઈ માટે કચ્છ શાખા નહેર અને તેની પેટા કેનાલોમાં પણ પાણી છોડવા માટે રાપરના પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદાની મુખ્ય નહેરોમાં 17 હજાર કયુસેક પાણી છોડવાના નિર્ણયને આવકારતાં પૂર્વ ધારાસભ્ય પંકજ એ. મહેતાએ કચ્છ શાખા નહેર અને ગાગોદર પેટા કેનાલમાં પણ પાણી છોડવા અનુરોધ કર્યો હતો. વાગડના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ બાબતે ત્વરિત નિર્ણય લેવા પત્રમાં  માંગ કરાઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છ શાખા નહેરમાં લાભિત ગામો આડેસર,  ગાગોદર, સણવા, મોડા, પલાંસવા, ફતેહગઢ, ખાંડેક, ગેડી, રવ, ખેંગારપર જેવા ગામોમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે.  અહીં વરસાદની અનિયમિતતાને લઈને પાણી છોડાય તો પાકને બચાવી શકાય. ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને આ બાબતે ત્વરિત કાર્યવાહી થાય તેવી લાગણી પત્રના અંતે વ્યકત કરી છે. 

© 2022 Saurashtra Trust