ગાંધીધામમાં 220 બોરી શંકાસ્પદ ઘઉં ઝડપાયા

ગાંધીધામ, તા. 1 : શહેરના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર પાસે ઊભેલી એક ટ્રકમાંથી પોલીસે ચોરી કે છળપકટથી મેળવાયેલા 220 બોરી ઘઉં જપ્ત કર્યા હતા. શહેરના સોનલનગર, ભાનુ ભવનની બાજુમાં ભારતનગર વિસ્તારમાં રહેનારો હરેશકુમાર નાથાલાલ વડેચા (દેવીપૂજક) નામનો શખ્સ કાસેઝ પાસે ટ્રક નંબર જી.જે.-12-એ.ઝેડ.- 3895વાળી લઇને ઊભો હતો. આ વાહનમાં રહેલો માલ શંકાસ્પદ જણાતાં પોલીસે આ ચાલક પાસેથી આધાર-પુરાવા માગ્યા હતા જે આ શખ્સ આપી શક્યો ન હતો. તેના કબ્જામાંથી રૂા. 1,30,000ની 220 બોરી ઘઉં, ટ્રક તથા મોબાઇલ એમ કુલ્લ રૂા. 5,35,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ આ માલ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઇ જવાનો હતો તેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

© 2022 Saurashtra Trust