ગાંધીધામમાં પાંચ હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો
ગાંધીધામ, તા. 1 : શહેરના સુંદરપુરી વિસ્તારમાં એક મકાનમાંથી પોલીસે રૂા. 5,850ના શરાબ સાથે શખ્સની અટક કરી હતી. દારૂ આપનારાનું નામ બહાર આવ્યું હતું. જૂની સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં રહેનારો અક્ષય રાજેશ ચાવડા નામનો શખ્સ પોતાના કબજાના મકાનમાં શરાબ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ તેના ઘરે પહોંચી ગઇ હતી જ્યાં આ શખ્સ હાજર મળી આવ્યો હતો. તેના મકાનની તલાશી લેવાતાં દારૂ મળી આવ્યો હતો. આ મકાનમાંથી બુલ્સ આઇ ક્લાસિક બ્લેન્ડેડ વ્હીસ્કી 750 એમ.એલ.ની 15 બોટલ, ગોડફાધર ધ લેજેન્ડરી ઓરિજિનલ સ્ટ્રોંગ બિયરના છ ટીન એમ કુલ રૂા. 5,850નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા અક્ષય ચાવડાને ભારતનગર કૈલાસ સોસાયટીમાં રહેનારો સમીર નરેશ સથવારા નામનો શખ્સ દારૂ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.